Gujarat

શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો

By GS TEAM
2 Oct 20252 mins read
શ્રીનાથ ક્વોરીની ઓરડીમાં પૂરી દઇ ટ્રક ચાલકને ઢોર માર માર્યો

વડોદરા, તા.2 ડેસર તાલુકાના વાધવા ગામની સીમમાં આવેલી શ્રીનાથ ક્વોરીની એક રૃમમાં ટ્રક ચાલકને ગોંધી રાખી ડિઝલચોરીનું આડ મૂકી લોખંડની પાઇપથી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

ડેસર તાલુકાના રાજનગરમાં રહેતા રાજુ રમેશભાઇ વસાવાએ રોહિત મંગળદાસ વસાવા (રહે.રાજનગર, હાલ ટિમ્બારોડ, ભાવનગરી સોનીની ચાલી, ગોધરા) અને જયમીન ભોગીલાલ પટેલ (રહે.હાલ વડોદરા, મૂળ જાનીપુરા, તા.ડેસર) સામે એટ્રોસિટિ એક્ટ મુજબ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  છેલ્લા દોઢ વર્ષથી હું રોહિત વસાવાની હાઇવા ટ્રક પર ડ્રાઇવિંગ કરતો હતો અને બે માસથી અંકિત રમેશ પરમારની ટ્રક પર ડ્રાઇવિંગ કરું છું.

શ્રીનાથ ક્વોરીમાં હાલ મેન્ટેનન્સનું કામ ચાલતું  હોવાથી હું હાઇવા ટ્રક લઇને માઇન્સમાંથી નીકળતી માટી ટ્રકમાં ભરી સુખપુરીના કોતરમાં નાંખવાનું કામ કરું છું. તા.૩૦ના રોજ મળસ્કે ત્રણ વાગે હું ક્વોરીમાંથી માટી ભરીને કોતરમાં નાંખતો હતો ત્યારે રોહિત વસાવા બાઇક પર આવ્યો હતો અને તું હાઇવા ટ્રકમાંથી ડિઝલની ચોરી કેમ કરે છે તેમ કહી માર મારી શ્રીનાથ ક્વોરીવાળા જયમીનભાઇ પટેલ તને બોલાવે છે, ડિઝલચોરી બાબતે ચર્ચા કરવાની છે તેમ કહી મને બાઇક પર બેસાડી ક્વોરીમાં લઇ જઇ એક ઓરડીમાં પૂરી દીધો હતો.

સવારે ૧૧ વાગે જયમીનભાઇ આવતા તેઓ તેમજ રોહિત બંનેએ ઓરડી ખોલી હતી અને રોહિતે મને પકડી રાખી જયમીને લોખંડની પાઇપ વડે માર મારી તને ડિઝલ ચોરવાનો ઘણો શોખ છે હવે પછી તું ડિઝલ ચોરી કરીશ તો મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. દરમિયાન વધારે માર મારતા ઓરડી ખૂલ્લી હોવાથી ત્યાંથી ભાગી જઇને ઘેર જતો રહ્યો હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.