ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલનાકા પર ટ્રક ડ્રાઇવરને માર મારતા ચક્કાજામ કર્યો
સોલડી ટોલનાકા પર ઉઘરાણા, પોલીસ મુક પ્રેક્ષક બની!
ટોલ ચુકવ્યા બાદ પોલીસની ઓળખ આપી ટોળકીએ ચાલક પાસે ૫૦૦ માંગ્યા, વિરોધ કરતા ટ્રકમાં તોડફોડ કરી ઃ આઠ કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા
સુરેન્દ્રનગર - ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલ સોલડી ટોલનાકા પાસે વહેલી સવારે એક ડ્રાયવર અને ક્લીનર પર અમુક શખ્સો દ્વારા ગેરકાયદે ઉઘરાણુ કરી હુમલા કરતા અન્ય ટ્રક ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો. આરોપીઓએ ટ્રક ચાલકનો મોબાઈલ ઝુંટવી નાસી છુટયા હતા. રોષે ભરાયેલા ટ્રક ચાલકે ટોલ નાકા પર કલાકો સુધી ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. જેને પગલે હાઇવે પર ૬ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.
ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પરથી વહેલી સવારે એક ટ્રક ચાલક પપ્પુ ટ્રકમાં માલ-સામાન ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સોલડી ટોલ નાકા પર ટ્રક ચાલકે નિયમ મુજબ ટોલ ભર્યા બાદ થોડે આગળ તરફ જતા અમુક શખ્સોએ પોલીસની ઓળખ આપી સાદા કપડામાં ટ્રકને રોકી ટ્રકચાલક પાસે રૃપિયાની માંગ કરી હતી પરંતુ ટ્રકચાલકે ઓછા રૃપિયા આપવાની વાત કરતા મામલો બીચક્યો હતો અને ત્રણથી ચાર શખ્સો દ્વારા ટ્રકના કાચ તોડી નુકશાન પહોંચાડતા ટ્રક ચાલકે તેનો મોબાઈલમાં વિડિયો ઉતારવાનું શરૃ કરતા મામલો ઉગ્ર બન્યો હતો અને શખ્સોએ ટ્રક ચાલકનો મોબાઈલ ઝુંટવી લીધો હતો અને એક સંપ થઈ લાકડીઓ વડે ટ્રક ચાલકને તેમજ ક્લીનરને માથાના તેમજ શરીરના ભાગે ઢોર માર મારી નાસી છુટયા હતા.
જે બનાવની જાણ હાઈવે પરથી પસાર થતાં અન્ય ટ્રકચાલકોને થતાં સોલડી ટોલનાકા પર પોતાના ટ્રકો ઉભા રાખી દીધા હતા અને ચક્કાજામ કર્યો હતો. ગણતરીની મીનીટોમાં ચક્કાજામને પગલે હાઈવે પર રોડની બન્ને સાઈડ અંદાજે પાંચથી છ કિલોમીટર જેટલી લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફીકજામના અનેક નાના મોટા વાહનો ફસાઈ જતા લોકો સમયસર પોતાના કામ પર પહોંચી શક્યા નહોતા. જ્યારે આ બનાવની જાણ થતાં ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ચક્કાજામ કરી રહેલ ટ્રકચાલકોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતા પરંતુ કલાકો સુધી ટ્રકચાલકો એકનામેક થયા નહોતા અને વિરોધ યથાવત શરૃ રાખ્યો હતો જ્યારે પાંચથી ભારે જહેમત બાદ પોલીસ દ્વારા સમજાવટ બાદ કચ્છ-અમદાવાદ તેમજ અમદાવાદ-કચ્છ હાઈવેને ક્લીયર કરાવી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૃ કરાવ્યો હતો.
ટોલનાકા પર ખાનગી માણસો દ્વારા ગેરકાયદે ઉધરાણા કરતા હોવાનો આક્ષેપ
જ્યારે આ મામલે હુમલાનો ભોગ બનનાર ટ્રકચાલક પપ્પુના જણાવ્યા મુજબ તેઓ નિયમીત છેલ્લા ઘણા વર્ષોથી આ હાઈવે પરથી મોરબી અવર-જવાર કરે છે અને સોલડી ટોલનાકા સિવાય થોડે દુુર અમુક ખાનગી માણસો લાકડીઓ સાથે ઉભા રહી પોલીસની ઓળખ આપી ટ્રકચાલકો પાસેથી તોડ કરી ઉઘરાણા કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેની માપસે પણ રૃપિયા ૫૦૦ માંગ્યા હતા જેના બદલામાં ટ્રકચાલકે રૃા.૫૦ આપવાની વાત કરતા ટ્રકને નુકશાન પહોંચાડી માર માર્યો હતો.
આરોપીઓ પોલીસ કર્મી નહીં હોવાનું ડીવાયએસપીનું રટણ
જ્યારે આ સમગ્ર મામલે ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતના જણાવ્યા મુજબ ટ્રકચાલકને મારમારનાર શખ્સો પોલીસ કર્મચારી કે પોલીસના માણસો ન હોવાનું જણાવ્યું હતું તેમજ ટ્રક ચાલક પોતે સામેથી લોખંડની ટામી લઈ અન્ય શખ્સોને મારવા દોડતો હોવાનું સીસીટીવીમાં જણાઈ આવે છે અને ટ્રકચાલક જાતે જ કાયદો વ્યવસ્થા હાથમાં લેતો હોવાનું જણાવ્યું હતું.
મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ
ટોલનાકાથી થોડે દુર ટ્રકચાલકને અમુક ખાનગી માણસો દ્વારા લાકડીઓ વડે માર મારતા સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં ત્રણથી ચાર શખ્સો ટ્રક ચાલકને લાકડીઓ વડે માર મારતા અને ટ્રક ચાલક તેનો બચાવ કરતો હોય તેમ સીસીટીવીમાં જણાઈ આવ્યું હતું જેને આધારે હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.