Gujarat

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત

By GS TEAM
30 Mar 20262 mins read
એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત

- ખેડા-અમદાવાદ હાઈવે પર પલાણા બ્રીજ પાસે 

- તંત્રની બેદરકારી : હાઈવે ઓથોરિટીએ પોલીસને જાણ કરી છતાં ડમ્પર હટાવવાની તસ્દી લેવાઈ નહીં

નડિયાદ : ખેડા અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે પર પલાણા બ્રીજ નજીક શનિવારે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર છેલ્લા એક મહિનાથી બિનવારસી હાલતમાં પડેલા એક અકસ્માતગ્રસ્ત ડમ્પરની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ હાઈવે પર સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે.

આ સમગ્ર અકસ્માતની પાછળ સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની બેદરકારી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જે ડમ્પર સાથે ટ્રક અથડાઈ છે, તે ડમ્પરનો અકસ્માત આજથી એક મહિના અગાઉ થયો હતો. ત્યારથી આ ડમ્પર બ્રીજ પર જ રસ્તાની વચ્ચે જોખમી રીતે પડયું હતું. વારંવારની રજૂઆતો છતાં આ વાહનને હટાવવાની કોઈ તસ્દી લેવામાં આવી ન હતી, જેના કારણે આખરે શનિવારે મોડી રાત્રે અન્ય એક અકસ્માત સર્જાયો હતો. હોઈવે ઓથોરિટીના કર્મચારી જીગર પટેલે આ મામલે ચોંકાવનારી વિગતો આપતા જણાવ્યું હતું કે, પલાણા બ્રીજ પર આ અકસ્માતગ્રસ્ત ડમ્પર છેલ્લા ૧ મહિનાથી પડયું છે. આ બાબતે પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમ છતાં પોલીસ દ્વારા તેને રસ્તા પરથી ખસેડવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અકસ્માતનો ભોગ બનેલા ટ્રક ચાલક સદ્દામ ભાઈએ જણાવતા કહ્યું હતું કે, તેઓ મુંબઈથી માલ ભરીને ખેડા તરફ જઈ રહ્યા હતા. રાત્રિના અંધકારમાં પલાણા બ્રીજ પર અચાનક રસ્તાની વચ્ચે ડમ્પર આવી ગયું હતું. હાઈવે પર પૂરતી લાઈટિંગ અને રસ્તાની વચ્ચે પડેલા વાહનના કારણે બ્રેક મારવાનો સમય મળ્યો ન હતો અને જોતજોતામાં ટ્રક ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી. સદ્નસીબે તેમનો બચાવ થયો છે, પરંતુ વાહનને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર જ્યારે હજારો વાહનોની અવરજવર રહેતી હોય, ત્યારે એક મહિના સુધી અકસ્માત થયેલું વાહન હટાવવામાં ન આવે તે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. અંધારામાં દૂરથી ઉભેલું વાહન ન દેખાવાના કારણે અગાઉ પણ અહીં નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બની હોવાની ચર્ચાઓ જાગી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, એક અકસ્માત નિવારવા માટે અગાઉના વાહનને કેમ ન હટાવાયું તે પ્રશ્ન હજુ પણ અનુત્તર રહ્યો છે.