નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી

- નીચે ઉતરી જતા ડ્રાઈવર- ક્લિનરનો બચાવ
- વડતાલ સિમેન્ટ ખાલી કરી ટ્રક કચ્છ જઈ રહી હતી : હાઈવે પર વાહનોની લાઈનોથી ટ્રાફિકજામ
વડતાલ ખાતે ટ્રકમાંથી સિમેન્ટ ખાલી કરી ડ્રાઇવર અને ક્લિનર ગઈકાલે રાત્રે ટ્રક લઈ કચ્છ જવા નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થતા હતા. દરમિયાન ડભાણ ગામના પેટ્રોલ પંપ નજીક ટ્રકની કેબીનમાંથી અચાનક ધુમાડો નીકળતો જોઈ ડ્રાઇવર ક્લીનરે સમય સૂચકતા વાપરી ટ્રકને સાઈડમાં ઊભી કરી નીચે ઉતરી ગયા હતા. થોડીક ક્ષણોમાં આગે વિકરાલ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેથી ટ્રકની કેબીન તેમજ ટ્રકના ટાયર આગની લપેટમાં આવી જતા સળગી જવા પામ્યા હતા. ટ્રકમાં આગ લાગતા હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગતા ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. બનાવની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઈટર સાથે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં ટ્રક સળગીને ખાક થઈ હતી. ટ્રકની કેબીનમાં શોર્ટસકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગના કારણે હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.








