લુધિયાણાથી 66 લાખનો ઇંગ્લીશ દારૂ જામનગર લઈ જતો ટ્રક ઝડપાયો
ચોટીલા-સાયલા હાઈવે પર એલસીબી ટીમની સફળ વોચ
માળિયા- કચ્છ હાઇવે પરથી દારૂની ૩૩૩ બોટલ ભરેલી કાર સાથે રાજસ્થાની શખ્સ ઝડપાયો, બન્ને સ્થળેથી રૂા.89 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
પ્રથમ બનાવમાં સાયલા-ચોટીલા હાઇવે પર એલસીબીનાં પીઆઇ જે. વાય. પઠાણની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, ભૂસું ભરેલા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે દરમિયાન મઘરીખડા નજીક વોચ ગોઠવતા એક ટ્રક શંકાસ્પદ હાલતમાં નીકળ્યો હતો. જેથી તેને અટકાવીને તલાસી લેતા ઘઉં જેવા ખાધ્ય પદાર્થના ભૂસાના કોથળાની આડમાં છુપાવેલો રૂા.૬૬ લાખની કિંમતનો ૫૨૩૨ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ટ્રકચાલક રાણાવાવ તાલુકાનાં અમરદડ ગામના ધોરીયા નેસ ખાતે રહેતા રાજુ કાળાભાઇ ચાવડા અને ક્લિનર જીવા મેરામણભાઇ ચાવડાની અટકાયત કરીને પુછપરછ કરતા પંજાબના લુધિયાણા ખાતે અજાણ્યો વ્યક્તિ દારૂ ભરેલો ટ્રક આપી ગયો હતો, જે જામનગરના બુટલેગર જીગર રબારીને પહોંચતો કરવાનો હોવાની કબુલાત આપી હતી. જેથી દારૂ અને ટ્રક સહિત રૂા.૮૧.૨૩ લાખનો મુદામાલ કબજે લઈને તપાસ હાથ ધરી હતી.
બીજી ઘટનામાં માળિયા મિંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન કચ્છ તરફથી એક સફેદ નંબર પ્લેટ વગરની બ્રેઝા કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવતી હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી. જેમાં ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે કારને રોકી તલાસી લેતા અલગ-અલગ વ્હીસ્કીની ૩૩૩ દારૂની બોટલનો જથ્થો મળ્યો હતોો. જેથી દારૂ અને કાર સહિત રૂા.૮ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરીને કારચાલક સુરેશ અજાભાઇ ચૌધરી (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી સુરેશ ચુન્નારામ મેઘવાલ (રહે. હાલ ગાંધીધામ, મૂળ રાજસ્થાન)નું નામ ખુલતા શોધખોળ સાથે વધુ તપાસ ચલાવી છે.