ચૌટા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની 6144 બોટલ ભરેલો ટ્રક ઝડપાયો

અમદાવાદથી દારૂ ભરી પોરબંદર લઇ જવાતો'તો
ટ્રક ડ્રાઇવર, દારૂ ભરાવનાર અમદાવાદના શખ્સ તથા મગાવનાર પોરબંદરના ઈસમ વિરૂધ્ધ ગુનોઃ 36 લાખનો મુદ્દામાલ કબ્જે
કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચૌટા ચેકપોસ્ટ પર રાત્રે ૧૧ વાગ્યા આસપાસ શંકાસ્પદ હાલતમાં એક ટ્રક પસાર થઇ રહ્યો હોવાથી પોલીસે તેને અટકાવ્યો હતો. તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી મળી ૬૧૪૪ બોટલ સાથેનાં ૨૦૦ બોક્સ (કિ.રૂા. ૨૯,૯૫,૨૦૦) મળી આવ્યા હતા. ટ્રકચાલકની પૂછપરછ કરતાં તે મુળ પંચમહાલના ખાબડા ગામનો તથા હાલ અમદાવાદ-ગોધરા રોડ પર આવેલ જીઆઈડીસીમાં રહેતો હિંમતસિંહ કરણસિંહ વણઝારા (ઉ.વ.૨૪) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાસી લેતાં આઈફોન અને ૪૪૦૦ રૂા.ની રોકડ પણ મળી આવી હતી.
પોલીસે નશાબંધી સપ્તાહ દરમિયાન જ દારૂની ખેપનો પર્દાફાશ કરીને દારૂ ઉપરાંત પ્લાસ્ટિકની બરણીઓ ભરેલા ૧૫ બાચકા અને ટ્રક મળી કુલ રૂા. ૩૬ લાખ ૩૬ હજાર ૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. હિંમતસિંહ વણઝારાની આકરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ દારૂ તેણે મૂળ ભરૂચ તથા હાલ અમદાવાદ રહેતા ઋષભ વસાવાના કહેવાથી અમદાવાદની સહયોગ હોસ્પિટલ પાસેથી ટ્રકમાં ભર્યો હતો અને પોરબંદરની કોઇ પાર્ટીને આ દારૂ પહોંચતો કરવા માટે જણાવ્યું હતું જેથી પોલીસે ટ્રક ચાલક હિમતસિંહ વણઝારા, દારૂ ભરાવનાર ઋષભ વસાવા તથા માલ જેની પાસે પહોંચતો કરવાનું જણાવાયું હતું તે મોબાઇલધારક ઇસમ સામે ગુનો દાખલ કરીને આગળની પુછપરછ હાથ ધરી છે.

