Get The App

વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
વાસદ ચોકડી પાસે 15 પશુ ભરેલી ટ્રક ઝડપાઈ, 2 સામે ફરિયાદ દાખલ 1 - image

- પશુઓની ક્રૂરતાપૂર્વક હેરાફેરી કરવાનો મામલો

- પોલીસે પશુ, ટ્રક સહિતનો રૂપિયા 14.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

આણંદ : વાસદ પોલીસ મથકની હદમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાપૂર્વક હેરાફેરી કરવાનો મામલો સામે આવ્યો છે. વાસદ ચોકડી અને નાયરા પેટ્રોલ પંપ પાસે પંદર ભેંસોને અત્યંત ગીચતાભરી હાલતમાં લઈ જતી એક ટ્રકને ગૌરક્ષકોની મદદથી ઝડપી પાડવામાં આવી છે. 

ગત શનિવારના રોજ રાત્રિના આશરે આઠેક વાગ્યે આ બનાવ બન્યો હતો. ફરિયાદી પ્રિતેશભાઈ લાલાભાઈ ભોઈ અને અન્ય ગૌરક્ષકોને બાતમી મળી હતી કે બોરસદ તરફથી એક ટ્રક પશુઓ ભરીને વડોદરા તરફ જવાની છે. આ બાતમીના આધારે વાસદ ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ટ્રક ઉભી રાખી ન હતી. ગૌરક્ષકોએ પીછો કરી નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રકને આંતરી હતી. તપાસ કરતા ટ્રકના પાછળના ભાગે ૧૫ જેટલી ભેંસોને ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવી હતી. ટ્રકમાં પશુઓ માટે ઘાસચારો, પાણી કે રેતી-માટી જેવી કોઈ પાયાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. 

ટ્રક ચાલક હસનખાન સલીમખાન નાગોરી અને કંડક્ટરની સીટ પર બેઠેલા શખ્સ મોહમ્મદ હનીફ હુસેનખાન બલોચ (બંને રહે. સિદ્ધપુર, જિ. પાટણ) પાસે પશુઓની માલિકી કે હેરાફેરી અંગેના કોઈ આધારભૂત પુરાવા મળી આવ્યા ન હતા. જે બાદ પોલીસેન જાણ કરવામાં આવી હતી. વાસદ પોલીસે ભેંસો, ટ્રક સહિતનો રૂપિયા ૧૪,૫૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બંને શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.