Gujarat

છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની ફરજ પડી

By GS TEAM
6 Oct 20251 min read
છ મહીનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત લોકોને નરોડાના ધારાસભ્યને કાર્યાલય પાસે ઘેરી વિરોધ કરવાની ફરજ પડી

અમદાવાદ,સોમવાર,6 ઓકટોબર.2025

૩૯ વર્ષ પહેલા નરોડા,સરદારનગર,કુબેરનગર સહીતનો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવાયો હતો.છતાં હજુ સુધી ડ્રેનેજ સિસ્ટમના ઠેકાણાં નથી.છ મહીનાથી સતત ઉભરાતી ગટર અને તેના ગંદાપાણીથી ત્રસ્ત એવા સરદારનગરના રહીશો સોમવારે સવારે ધારાસભ્ય પાયલ ંકુકરાણીને તેમના કાર્યાલય પાસે જ ઘેરાવ કરી વિરોધ કરવાની ફરજ પડી હતી.સરદારનગર વોર્ડ ભાજપનો ગઢ છે.ચાર કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હતી.છતાં કોઈ કાર્યવાહી કરવામા આવતી નહોતી. આ કારણથી રહીશો વિફર્યા હતા.લોકોનો રોષ જોઈ કોર્પોરેશનના અધિકારીઓએ તાત્કાલિક મશીનરી મુકી કામગીરી શરૃ કરવી પડી હતી.

થોડા સમય પહેલા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાનો લોકોએ પ્રાથમિક સમસ્યા નહીં ઉકેલાતા ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.સોમવારે સવારે સરદારનગર વોર્ડમાં આવેલા બીડી કામદારનગર ઉપરાંત વાલ્મિકી આવાસ, અનસૂયાનગર તથા આંબેડકરનગર સહીતના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થાનિક ધારાસભ્યના કાર્યાલય ઉપર પહોંચી ગયા હતા. જયાં તેમનો ઘેરાવ કરી ઉભરાતી ગટર અને ગટરના વહેતા પાણી બંધ કરાવવા ઉગ્ર શબ્દોમા રજૂઆત કરી હતી.સ્થાનિકોમાંથી મળતી માહીતી મુજબ, વોર્ડના ચાર કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્યને પણ આ મામલે અગાઉ એક વખત રજૂઆત કરી હતી.છતાં કોઈ કરતા કોઈએ સ્થાનિક રહીશોની ચિંતા નહીં કરતા અંતે અમારે સ્થાનિક ધારાસભ્યને ઘેરાવ કરી અમારી વ્યથા રજૂ કરવાની ફરજ પડી છે. ગંદકી,રોગચાળાના વાતાવરણમા રહેતા લોકોની રાજકારણીઓને કંઈ પડી જ નથી.