માસિક રૃ.૬૦ હજારના ભાડા બાબતે સરકારની મંજૂરી મંગાઇ
કામ ચલાઉ હોસ્પિટલ જુની સુરજમલજી હાઈસ્કૂલ બિલ્ડીંગમા લઈ જવા માટે મંજૂરી માંગવામાં આવી
પાટડી - દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે સરકાર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રૃ.૫૫ કરોડના ખર્ચે મંજૂર કરાઈ છે. જેમાં પાટડીની બિલ્ડીંગ પાડી કામગીરી શરૃ કરવામાં આવનાર છે હાલ કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી પણ મોકલી દેવામાં આવી છે અને જુના આવાસ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. પરંતુ હોસ્પિટલ કામ ચલાઉ ધોરણે અન્ય સ્થળે ખસેડવા ભાડા પેટે બિલ્ડિંગ અને જગ્યા રાખવા બાબતે મંજૂર નથી મળી જેથી હાલ કામગીરી બંધ હોવાથી હાલાકી પડી રહી છે.
પાટડીની જુની જીનમાં જગ્યા રાખવાની હતી જ્યાં માત્ર માસિક ૧૦ હજાર રૃપિયા ભાડુ ચૂકવવાનું હતું પરંતુ સ્થાનિક રાજકારણને કારણે પાટડી સુરજમલજી હાઈસ્કૂલમાં જૂની જર્જરિત બિલ્ડીંગમાં હોસ્પિટલ શરૃ થાય તે માટે કવાયત કરાઈ હતી અને ૬૦ હજાર રૃપિયા જેટલુ માસિક ભાડુ તથા રિનોવેશન ખર્ચ ૩૫ લાખ રૃપિયા થશે તેવી વિગતો પણ સામે આવી છે.હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી માંગવામાં આવી છે. જૂની સુરજમલજી હાઈસ્કૂલની બિલ્ડીંગમાં હાલ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તથા બાજુમાં જ રહેણાંક વિસ્તાર પણ આવેલો છે. હોસ્પિટલના અમુક મશીનોમાં રેડીઅશનની અસર થઇ શકે છે. જેના કારણે બાળકોને તથા આસપાસના રહીશોને ઈન્ફેક્શન લાગવાની પણ શક્યતા છે. તેમ છતાં સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા મોટી રકમ રિનોવેશન અને માસિક મોટુ ભાડુ મંજૂર કરાવવા માટે ધમપછાડા શરૃ કરી દેવામાં આવ્યા છે.
પાટડી જીનમાં માત્ર ૧૦ હજાર ભાડુ કહેવામાં આવ્યું હોવા છતાં ત્યાં મંજૂરી માંગવામાં આવી નથી જો જૂની હાઈસ્કૂલમાં કામ ચલાઉ હોસ્પિટલ શરૃ થાય તો અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે તથા રાજ્ય સરકારના રમત ગમત અંતર્ગત ચાલતા પ્રોજેક્ટમાં ૮૦ થી વધુ બાળકો તાલીમ પણ આ જ મેદાનમાં મેળવે છે આથી બાળકોના ભવિષ્ય અને તંદુરસ્તી સામે પણ ખતરો તોળાઈ રહ્યો છે.


