Gujarat

10 ગામના ખેડૂતોને ફાળવેલી જમીન અનામત જંગલ જાહેર કરી દેવાતાં મુશ્કેલી

By GS TEAM
13 Mar 20262 mins read
10 ગામના ખેડૂતોને ફાળવેલી જમીન અનામત જંગલ જાહેર કરી દેવાતાં મુશ્કેલી

વિસાવદર તાલુકામાં વનતંત્ર અને ખેડૂતો સામસામે આવે તેવી નોબત : વર્ષ 2009માં મામલતદારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટની નોંધ દાખલ કર્યાના થોડા જ દિવસમાં તે નોંધ રદ કરી : હવે ફરી દાખલ કરી દેતાં ખેડૂતો અનેક યોજનાથી વંચિત 

જૂનાગઢ, : રેવન્યુ વિસ્તારમાં જંગલની જમીન મુદ્દે અવારનવાર વનતંત્ર અને ખેડૂતો આમને સામને આવી જાય છે. વિસાવદર તાલુકાના 10 જેટલા ગામમાં સરકાર દ્વારા વર્ષો પહેલા સાથણી, ભૂદાન, નવી શરતની જમીન તરીકે ખેડૂતોને જમીન ફાળવવામાં આવી હતી. બાદમાં કોઈપણ કારણ વગર તે જ જમીન અનામત જંગલ તરીકે ફાળવી દીધી. ત્યારબાદ તે ખોટી રીતે ફાળવી દીધી હોવાનું સામે આવતાં રેવન્યુ રેકોર્ડમાં અનામત જંગલની એન્ટ્રી રદ કરી હતી. અને હવે, ફરીવાર રેવન્યુ રેકોર્ડમાં પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે જમીન ફાળવી દીધી! આવી સ્થિતિના કારણે વિસાવદરના ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાત્કાલિક આ જમીનના રેવન્યુ રેકોર્ડમાં અનામત જંગલની નોંધ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. 

વિસાવદર તાલુકાના પિયાવા, રાજપરા, જાવલડી, માંણદીયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા લશ્કર, ઘોડાસણ, જાંબુડી સહિતના ગામમાં અનામત જંગલની જમીનના પ્રશ્નના લીધે ખેડૂતો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ તમામ ગામમાં વર્ષ 1952થી લઇ 1961 દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂદાન સમિતિ દ્વારા સાથણી, ભૂદાન અને નવી શરતની જમીન તરીકે ગામના સરકારી પડતરમાંથી અલગ અલગ ખેડૂતોને જમીન ફાળવવામાં આવી હતી. ખેડૂતો અને તેમના વારસદારો ઉતરોત્તર જમીનનો કબજો ભોગવતા અને માલિકી હક્ક ધરાવતા હતા. અચાનક ગુજરાત સરકારે વર્ષ 1975માં જાહેરનામું બહાર પાડી વિસાવદર તાલુકાના 10 જેટલા ગામમાં જે જમીન ખેડૂતોને ફાળવવામાં આવી હતી તે જમીન પ્રોટેકટેડ ફોરેસ્ટ તરીકે જાહેર કરી હતી. ખેડૂતોને જમીન ફાળવી દીધાને 15 વર્ષ પછી એ જ જમીન અનામત જમીન તરીકે જાહેર કરવામાં આવી હતી. 

સરકારના જાહેરનામાના આધારે મામલતદાર દ્વારા વર્ષ 2009માં ખેડૂતોને ફાળવેલી જમીન જાહેરનામાના આધારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ થયા બાદ ખેડૂતોની જમીનની બીજા હક્કમાં પ્રોટેક્ટેડ ફોરેસ્ટની નોંધ પાડી દીધી હતી. બાદમાં તે જ વર્ષમાં પ્રોટેક્ટેડ ફોરેસ્ટની નોંધ ખોટી રીતે દાખલ થઈ હોવાનું જણાવી તે નોંધને મામલતદારે જ રદ કરી હતી. ત્યારબાદ વર્ષ 2019માં ફરીવાર પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે જમીનમાં બીજો હક્ક દાખલ કર્યો હતો. આમ, 10 ગામના ખેડૂતોને મળેલી સરકારી જમીનના બીજા હક્કમાંથી અનામત જંગલ જમીનની નોંધ દૂર કરવા માટે અને જ્યાં સુધી અનામત જંગલ જમીનની નોંધ રદ ન થાય ત્યાં સુધીમાં વન વિભાગ દ્વારા ખેડૂતોને વચગાળાનું ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવે જેથી ખેડૂતો વીજ જોડાણ અને અન્ય ખેતીલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તેવી વિસાવદરના ધારાસભ્યએ વનમંત્રીને રજૂઆત કરી છે