Get The App

અમદાવાદમાં મૌખિક ટ્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના, ઓછું ભોજન મળતા પતિએ આપ્યા તલાક

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં મૌખિક ટ્રિપલ તલાકની ચોંકાવનારી ઘટના, ઓછું ભોજન મળતા પતિએ આપ્યા તલાક 1 - image


Triple Talaq Case in Ahmedabad: અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પતિએ ફોન પર જ ટ્રિપલ તલાક આપી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિવાદનું કારણ જાણીને કોઈને પણ નવાઈ લાગે તેવું છે, કારણ કે પત્નીએ તેના પિયરથી સાસરીમાં મોકલેલા જમવાના ટિફિનમાં ભોજન ઓછું હોવાથી ઉશ્કેરાયેલા પતિએ ટ્રિપલ તલાક આપ્યા હતા. આ મામલે હવે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, શાહપુરમાં પોતાના પિયરમાં રહેતી મહિલાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016માં મુસ્લિમ રીત-રિવાજ મુજબ અસારવા ખાતે રહેતા મુનાફ શેખ સાથે તેના લગ્ન થયા હતા અને આ લગ્નજીવન દરમિયાન તેને ત્રણ સંતાનો પણ છે. ગત 14મી જાન્યુઆરીના રોજ મહિલા તેના ભાઈના લગ્ન નિમિત્તે સંતાનો સાથે પિયર ગઈ હતી, જ્યાં 18મી જાન્યુઆરીએ બપોરના જમણવાર બાદ મોકલાવેલા ટિફિન અંગે પતિ સાથે થયેલી સામાન્ય વાતચીત ઉગ્ર થતાં મહિલાને ફોન પર જ તલાક આપી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી, એરપોર્ટ સિક્યુરિટીએ નોંધાવી ફરિયાદ

મહિલાના ભાઈના લગ્ન હોવાથી મહિલા તેના બાળક સાથે લગ્ન અર્થે પિયર આવી હતી. ભાઈના લગ્નના જમણવારના દિવસે મહિલાએ તેની ફઈના હાથે સાસરીમાં પતિ અને સાસુ માટે જમવાનું ટિફિન મોકલાવ્યું હતું. જો કે, રાત્રિના સમયે પતિએ ફોન કરીને ગુસ્સે થઈને કહ્યું હતું કે, 'તારા પિયરે એક પ્લેટ જેટલું ખાવાનું મોકલેલ છે, આટલું તો હું રોજ ભિખારીઓને ભીખમાં આપું છું.' પત્નીએ જ્યારે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પતિએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો આપી હતી અને તારો ફેસલો કરી દઈશ તેમ કહી ફોન પર જ ત્રણ વાર 'તલાક' બોલી દીધું હતું. આ ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ તુરંત પોતાના પરિવારને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.