સુરજબારી પુલ પાસે ટ્રીપલ અકસ્માત: ટ્રક- કાર ભસ્મીભૂત, 4નાં કરૂણ મોત

મોરબી-કચ્છ હાઈવે પર અનહોની: મૃતકોમાં 2 વિદ્યાર્થી સામેલ : પૂરઝડપે જતું કન્ટેનર પલટી મારીને રોંગ સાઈડમાં આવ્યું બચવા જતાં ધડાકાભેર અથડાયેલાં બંને વાહન અગનગોળો બની ગયા
મોરબી, : મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર સુરજબારી પુલ પાસે ગઈકાલે મધરાત્રે કન્ટેનર, ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જે કારમાં જૂનાગઢ સ્થિત હોસ્ટેલથી ગાંધીધામ સાતમ-આઠમની રજા હોવાથી ઘરે જઈ રહેલા તરૂણ વયના સાત વિદ્યાર્થીઓ હતા, જેમાંથી ગંભીર રીતે દાઝી જવાથી બે બાળકો તેમજ ટ્રકના ડ્રાઈવર અને ક્લિનર સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચાર તરૂણ છાત્રો સહિત સાત લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતા.
વિગત પ્રમાણે, મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર ગત મોડી રાત્રીના માળિયા મિંયાણાના સુરજબારી પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છથી મોરબી તરફ આવતી વખતે કન્ટેનરના ડ્રાઈવરે કોઈ કારણસર કાબુ ગુમાવતા ડિવાઈડર ટપીને રોંગ સાઈડમાં આવી પલટી ખાઈ ગયું હતું. જેથી સામેથી આવતા અને મોરબીથી કચ્છ તરફ જતા ટ્રકચાલકે બચવા જતાં બાજુમાંથી જ પસાર થતી અર્ટિગા કાર સાથે અથડાયો હતો. જેમાં ટ્રકની ડીઝલની ટાંકી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી, જે આગની ઝપટમાં ટ્રક અને કાર આવીને ભડભડ સળગી ઉઠયા હતા.
ગોજારા અકસ્માતમાં કારમાં બેઠેલા સાત વિદ્યાર્થીઓ પૈકી રૂદ્ર ગોપાલભાઈ ગુજરીયા (ઉ.વ. 15) અને જયમીન જગદીશભાઈ બાબરિયા (ઉ.વ. 17) (રહે. બંને ગાંધીધામ) તેમજ ટ્રકના ક્લિનર શિવરામ મંગલારામ નાઈ (ઉ.વ. 37) અને ટ્રક ડ્રાઈવર કિશન રામલાલ નાયક (ઉ.વ. 21) (રહે. બંને રાજસ્થાન) એમ ચાર વ્યક્તિના ગભીર રીતે દાઝી જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા. જ્યારે કારમાં અન્ય છાત્રો કૃષ્ણ ગોપાલભાઈ ઝરૂ (ઉ.વ. 17), શિવમ નારણભાઈ બાપોદ્રા (ઉ.વ. 13) મિત રમેશભાઈ બાબરિયા (ઉ.વ. 13) અને વિષ્ણુ દેવરાજભાઈ ડાંગર (ઉ.વ. 15) (રહે. ચારેય ગાંધીધામ) અને કારચાલક શાંતિલાલ વેલજીભાઈ આહીર (ઉ.વ. 40) (રહે. બગડા, કચ્છ) તેમજ કન્ટેનરચાલક ગૌતમ બીરબલરામ (ઉ.વ. 23) અને ક્લિનર એમ સાત લોકોને ઈજા થવાથી સારવાર માટે સામખીયાળી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કારમાં જતાં 6 બાળકો જૂનાગઢ અભ્યાસ કરતા'તા
સામખીયાળી નજીક અકસ્માતનો ભોગ બનેલી કારમાં છ બાળકો સવાર હતા, જે જૂનાગઢની આહીર બોડીંગ અભ્યાસ કરતા હતા અને સાતમ આઠમ તહેવાર હોવાથી પોતાના વતન કચ્છ ગાંધીધામ જતા હતા. જે સાતમાંથી બે બાળકોના મોત થવાથી પરિવારજનોમાં આક્રંદ સાથે ઘેરો શોક પ્રસરી ગયો છે.








