કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
Bharuch Drugs Smuggling : "નો ડ્રગ્સ ઇન ભરૂચ" ઝુંબેશ અંતર્ગત ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના પીરામણ ગામ ખાતેથી કારમાં બેસી એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહેલ ત્રિપુટીને ઝડપી પાડી રૂ.79,400ની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે કુલ રૂ.12.04 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અંકલેશ્વર ઓમકાર-2ની સામે બાબરનાથની ચાલમાં એક કારમાં ત્રણ વ્યક્તિઓ નશીલા પદાર્થનું વેચાણ કરે છે તેવી ભરૂચ એસઓજીને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે છાપો મારી કારમાંથી જગદીશ શેલાભાઈ ભરવાડ (રહે-રાજપીપળા ચોકડી, અંકલેશ્વર ), શુભમ સંજય પરિહાર (રહે-ઓએનજીસી વર્કશોપ પાસે, અંકલેશ્વર) અને વસીમરાજા શેખ (રહે-આંબોલી રોડ, અંકલેશ્વર) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 7.94 ગ્રામ વજનનો રૂ.79 400ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડ્રગ્સનો જથ્થો, 4 મોબાઈલ ફોન, વજન કાંટો તથા કાર સહિત કુલ રૂ.12.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સનો જથ્થો આપનાર કામરેજના સાહિલ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.