આણંદમાં રાહતળાવથી ત્રણોલનું ગરનાળું બંધ : 20 ગામોને હાલાકી

- રેલવે તંત્રએ બંધ કરેલું ગરનાળું ચાલુ કરવા રજૂઆત
- ચાર દિવસથી રસ્તો બંધ થઈ જતા ખેડૂતો, વિદ્યાર્થીઓ સહિત લોકોને અવર- જવર માટે હાલાકી
રાહતળાવ સહિત આસપાસના ગામના ખેડૂતોએ એકઠા થઈ આણંદ જિલ્લા કલેકટરને આપેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, રેલવે તંત્ર દ્વારા ગરનાળા નંબર-૧૨ને બંધ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે આ વિસ્તારના પશુપાલકો, ખેડૂતો તથા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. ગરનાળામાં થઈને ત્રણોલ, કુજરાવ, સારસા, ખંભોળજ સહિત આજુબાજુના ૨૦ ગામના લોકો ગરનાળાના રસ્તાનો ઉપયોગ કરે છે.
ત્યારે ગરનાળુ બંધ કરાવી દેવાતા ખાસ કરીને વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે વર્ષ પહેલા આ રોડનો મુખ્યમંત્રી સડક માર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને રોડનું કામકાજ પણ શરૂ કરાયું હતું.
છતાં રેલવે તંત્ર દ્વારા એકાએક ચાર દિવસ પહેલા જ ગરનાળું બંધ કરાવી દેવાતા હવે ૨૦થી વધુ ગામના રહીશોને અવર-જવરમાં ખૂબ જ તકલીફો પડી રહી છે.
ત્યારે વહેલી તકે ગરનાળાનો રસ્તો ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગણી છે.








