વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રિમિંગ અને કટીંગ કરાયું

કરમસદથી કેવડિયા કોલોનીની એકતા યાત્રા પૂર્વે
વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં વર્ષો જૂના વૃક્ષો કપાયા : પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
આણંદ: કરમસદથી કેવડીયા કોલોની સુધીની એકતા યાત્રાનો પ્રારંભ તા. ૨૬મી નવેમ્બરે યોજાનારી એકતા યાત્રા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. જેમાં વિદ્યાનગરમાં ૨૮ સહિત ૧૫૦ વૃક્ષોને કાપવાની સાથે ટ્રિમિગ કરાયા છે. જેના કારણે પ્રર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે.
એકતા યાત્રાની તૈયારી માટે વહીવટી તંત્ર દ્વારા બે દિવસ અગાઉ જીટોડીયાથી શરૂ કરીને અંધારીયા ચોકડી, નાવલી, નાપાડ, આસોદર ચોકડી, ઉમેટા સુધીના એકતા માર્ગ પર આવેલા વર્ષોે જૂના વૃક્ષોનું કટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેટલાક સ્થળે નમેલી ડાળખીઓ પણ કાપવામાં આવી રહી છે.
શનિવારે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાનગરના શાસ્ત્રી બાગની ચારે બાજુ આવેલા ૫૦ વર્ષથી પણ જુના વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વૃક્ષોની ડાળખીઓ તથા ૨૮ વૃક્ષોનું પણ કટિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાનગરની સ્થાપના સમયે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અથાગ મહેનત કરીને ઉછેરવામાં આવેલા કિંમતી વૃક્ષોનું કટિંગ થતા પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે.

