શિયાળબેટની 2 બોટ અને 9 ખલાસીઓ લાપત્તા બન્યા બાદ સગડ મળતા હાશકારો
11 ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી ત્યાં નવી દોડધામ કોસ્ટગાર્ડના જહાજ અને હેલિકોપ્ટર દ્વારા તોફાની દરિયામાં ગુમ માછીમારોની શોધખોળ એન્જિન બંધ પડેલી અન્ય બોટોને પણ કિનારે લાવવા કવાયત
અમરેલી, : અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી દરિયો તોફાની બન્યો છે, જેમાં ત્રણ દિવસ પહેલા ત્રણ ફિશિંગ બોટ ડૂબી જવાથી લાપત્તા બનેલા 11 ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી ત્યાં આજે નવી દોડધામ થઈ હતી. જેમાં શિયાળબેટની બે બોટ અને નવ ખલાસીઓ લાપત્તા બન્યા હતા. જો કે, તેમના સગડ મળતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. જાફરાબાદના દરીયામાં ત્રણ દિવસ પહેલા ભારે કરંટ જોવા મળતા વહીવટી તંત્રએ તમામ માછીમારોને પરત આવી જવા મેસેજ મોકલ્યા હતા. આ દરમિયાન જાફરાબાદના દરિયાકિનારેથી 500 કરતા વધારે બોટ માછીમારી કરવા માટે દરિયામાં ગઈ હતી, તેમાંથી જાફરાબાદની બે અને રાજપરાની એક બોટ ડૂબી જતા 17 ખલાસીઓના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જયારે બોટમાં સવાર 11 ખલાસીઓ લાપત્તા બન્યા છે. આ ખલાસીઓનો હજુ પત્તો લાગ્યો નથી ત્યાં શિયાળબેટની ધનવંતી બોટ અને લક્ષ્મીપ્રસાદ નામની બોટનો સંપર્ક ન થતા લાપતા બની હતી. બંને બોટમાં 9 ખલાસીઓ હતા. જો કે શોધખોળના અંતે પહેલા ધનવંતી બોટની ભાળ મળતા તેને ખલાસીઓ સાથે પરત લાવવામાં આવી હતી. જયારે લક્ષ્મીપ્રસાદ નામની બોટનો પણ સંપર્ક થઈ જતાં કિનારે લાવવાની તજવીજ ચાલુ કરાઈ હતી.