Get The App

ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
ખાનગી સ્કૂલને ટક્કર આપે તેવી સુવિધાઓ વચ્ચે રસૂલાબાદની સરકારી સ્કૂલમાં આદિવાસી બાળકો ભણે છે 1 - image


Vadodara : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં 2002ની સાલમાં મધ્યપ્રદેશથી આવેલા વિસ્થાપિત પરિવારોના બાળકો માટે રસુલાબાદ નર્મદા વસાહત પ્રાથમિક સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્કૂલ જ્યારે શરુ થઈ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આદિવાસી પરિવારોના બાળકોને ખાનગી સ્કૂલોને ટક્કર મળે તે પ્રકારની સુવિધા આ સ્કૂલમાં મળશે. કારણકે તે વખતે સ્કૂલમાં ફર્નિચર પણ નહોતું. બાળકો ખાટલા પર બેસીને અભ્યાસ કરતા હતા.

આ સરકારી પ્રાથમિક સ્કૂલના આચાર્ય કંદર્પભાઈ પટેલે આજે આ સ્કૂલને ગ્રીન સ્કૂલમાં ફેરવી છે. જેમાં ભણતા 36 જેટલા બાળકોને શહેરની કોઈ હાઈ ફાઈ સ્કૂલ જેવી સુવિધાઓ અને શિક્ષણ મળી રહ્યું છે. 

સરકારી સહાય અને બીજા દાતાઓ પાસેથી મદદ મેળવીને કંદર્પ પટેલે સ્કૂલમાં મધ્યાહન ભોજનની, વાંચન કુટિર, સીસીટીવી કેમેરા, ગાર્ડન સહિતની સુવિધાઓ ઉભી કરી છે. બાળકોને દાતાઓની મદદથી ગણવેશ આપવામાં આવ્યો છે. સ્કૂલમાં બાળવાડીથી લઈને ધો.5 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

ગુણોત્સવમાં સ્કૂલને કાયમ એ ગ્રેડ મળે છે

તેઓ કહે છે કે, બાળકો શિક્ષણમાં પણ પાછળના રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગુણોત્સવમાં સ્કૂલને કાયમ એ અને એ પ્લસ ગ્રેડ મળે છે. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને બીજી પરીક્ષાઓ માટે સતત પ્રોત્સાહિત કરાય છે. ગત વર્ષે સરકારની રાજ્ય કક્ષાની સીઈટી પરીક્ષામાં શાળાના સાતમાંથી પાંચ બાળકોને મેરિટમાં સ્થાન મળ્યું છે.

સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવાના પ્રયાસો

આગામી દિવસોમાં સ્કૂલમાં સ્માર્ટ ક્લાસરૂમ અને શાળા પુસ્તકાલય શરૂ કરવાની યોજના પર પણ કામ કરી રહ્યા છે. જેથી બાળકોને બહારની દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની વધારે સારી જાણકારી મળે.

સ્કૂલને રાષ્ટ્રીય સહિત પાંચ એવોર્ડ મળી ચૂકયા છે 

સ્કૂલને 2024-25ના વર્ષ માટે સક્ષમ શાળા એવોર્ડ મળ્યો છે. 2022-23માં શાળાને જિલ્લા કક્ષાએ એવોર્ડ મળ્યો હતો. તેના પહેલા 2016-17માં સ્વચ્છ વિદ્યાલય માટે જિલ્લા કક્ષાએ તેમજ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ એવોર્ડ મળ્યો હતો.

Tags :