Get The App

# મને ખબર નથી V\S # પાકી ખબર છે મને

- ટ્વિટર પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામ્યું રાજકીય યુધ્ધ

- દર્દીઓ મરી રહ્યા છે, કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાના મુદ્દે ભાજપ-કોંગ્રેસની રાજનીતિ શરૂ

Updated: Jul 9th, 2020

GS TEAM

Google News
Google News
# મને ખબર નથી  V\S # પાકી ખબર છે મને 1 - image


અમદાવાદ, તા. 9 જુલાઇ, 2020, ગુરૂવાર

કોરોનામાં સરકારની નિષ્ફળતા , સરકારી ભરતી, બેરોજગારી, શાળાની ફી માફી, મોઘવારી સહિતના મુદ્દાઓને લઇને સોશિયલ મિડીયામાં હેશટેગ પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાંય મને ખબર નથી તે મુદ્દો દેશભરમાં ટોપમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસો વધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવું કહ્યું હતું કે,મને ખબર નથી.

આ વાતને આગળ ધરીને કોંગ્રેસે સોશિયલ મિડીયામાં અભિયાન છેડયું હતું જે મુદ્દો ભારતના ટોપ ટેન ટ્રેન્ડમાં છવાયો હતો. રૂપાણી સામે ટ્વિટર પર ટ્રેન્ડ શરૂ થતાં આખરે ભાજપે પણ પાકી ખબર છે પાકી એ ટાઇટલ સાથે સોશિયલ મિડીયાના મેદાને ઉતરવું પડયુ છે. ટૂંકમાં , સોશિયલ મિડીયામાં ભાજપ-કોગ્રેસે વચ્ચે વૉર જામ્યો છે. 

ગુજરાતમાં હવે સુરતમાં કોરોના વકર્યો છે જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દોડી ગયા હતાં જયાં પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ એક પ્રશ્નનો એવો ઉત્તર પાઠવ્યો કે,મને કઇં ખબર નથી. બસ, આ વાતને કોંગ્રેસે જાણે મુદ્દો બનાવી ટ્વિટર પર અભિયાન છેડયુ હતું. આ અભિયાનને એવો પ્રતિસાદ મળ્યો કે,મને ખબર નથી એ ટ્રેન્ડ દેશભરમાં ત્રીજા સૃથાને રહ્યો હતો.

આ વાત જાણીને ઘોર નિંદ્રામાં પોઢેલું ભાજપનુ આઇટી સેલ સફાળુ જાગ્યુ હતું. પ્રદેશ નેતાઓએ આદેશ આપતાં આખરે ભાજપે મુખ્યમંત્રીના બચાવમાં ઉતરવુ પડયુ હતું. કોંગ્રેસના મને ખબર નથી તે અભિયાન સામે ભાજપે પાકી ખબર છે મને એ ટાઇટલ સાથે સોશિયલ મિડીયામાં જંગ છેડયો છે. 

આગામી દિવસોમાં યોજાનારી પેટાચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસે સામ સામે આવ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે પેટાચૂંટણીમાં ય સોશિયલ મિડીયા એક માત્ર  પ્રચાર માટે પ્લેટફોર્મ બની રહેવાનું છે ત્યારે અત્યારથી જ ભાજપ-કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ આગળ ધરીને રાજનીતિ શરૂ કરી દીધી છે.

કોંગ્રેસે મને ખબર નથી તે વાતને આગળ ધરીને ભાજપ સરકારને સવાલો પૂછ્યાં  છેકે, કોરોનાના કેસોના આંકડામાં ગોટાળા છે , સ્કૂલ ફીની માફી કયારે આપશો , સરકારી નોકરી માટે ભરતી કયારે , મોઘવારીનુ શું , ધમણને વેન્ટિલેટર કહેવાય ખરૂં , ગુજરાતમાં  ખેડૂતોની હાલત કયારે સુધરશે..

આ તરફ, ભાજપે પાકી ખબર છે મને એ મુદ્દા સાથે કોંગ્રેસ પર એવો વળતો પ્રહાર કર્યો છેકે, પાકી ખબર છે મને કે,અમદાવાદમાંથી જડમૂળમાંથી કોરોના નાબુદ કરવાનો મુખ્યમંત્રીનો ધ્યેય છે. પાકી ખબર છે મને કે,વિજય રૂપાણી દ્વારા કોરોના સામે આક્રમક લડાઇ લડવામાં આવી રહી છે , પાકી ખબર છે મને, સંવેદનશીલ મુખ્યમંત્રીની દેખરેખ હેઠળ દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહી છે,પાકી ખબર છે મને, આપણું રાજ્ય રાષ્ટ્રમાં રોલ મોડેલ બન્યુ છે જેના હકદાર છે ઉદ્યમી મુખ્યમંત્રી વિજય રૂપાણી..આ ઉપરાંત મફત અનાજ,એક્સપર્ટ ગુ્રપ ઓફ ડોક્ટર્સ સાથેની બેઠક,કચ્છને નર્મદાનું પાણી સહિતના મુદ્દાઓને લઇને પણ જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

હું પણ શોધુ છું, કોંગ્રેસ

અમદાવાદમાં ખોવાયેલી કર્ણાવતી, સુરતમાં ખોવાયું શાંઘાઇ, બરોડામાં ખોવાયું બેઇજીંગ, હું પણ શોધુ છું,

ધોલેરાનુ એરપોર્ટ, ચોટિલાનું એરપોર્ટ, રોરો ફેરી સર્વિસ અને સી-પ્લેન, હું પણ શોધું છું

કોરોનાનો સાંચો આંક, થાળી વગાડતી પ્રજાનો વાંક, ધમણમાં શ્વાસને, સારવારનો વિશ્વાસ હુ પણ શોધું છું

પાક વિમાનું વળતર, શિક્ષકોને વેતન, રોજગારનો પર્યાય, ખેડૂતોને પુરતા દામ, હુ પણ શોધું છું.

હું પણ શોધુ છું, ભાજપ

કોણે ભારતની આ દશા કરી છે,કોણે તિજોરી ખુદ ભરી છે, કોણે દેશની સલામતીને,તબાહ કરીને મોજ કરી છે, હું પણ શોધું છું

દુશ્મનને ગળે લગાવે, ગેગ ટુકડેવાળી આગે, ભારત માતાના અપમાનોથી કોણે મા લાચાર કરી છે, હું પણ શોધું છું

સરદાર ભૂલાયાં, બાપુ ભૂલ્યાં, પાણીને વિજળી ભૂલ્યાં, અંધાધુંધી બધે વધારી, કોણે જુઠ્ઠી વાત કરી છે, હું પણ શોધું છું.

હટશે ગરીબી એમ કહીને, ઠાલા ઠાલા સૂત્રો દઇને, ભ્રષ્ટાચારનું ભુત ધુણાવી, કોણે કાળી કહેર કરી છે. હું પણ શોધું છું.

Tags :