સુરત પાલિકાની બેદરકારી, દુકાનદારને લાભ કરાવવા વૃક્ષો કાપી નાખ્યા
Surat News: સુરત પાલિકા દ્વારા દર વર્ષે જૂન મહિનામાં વૃક્ષારોપણ કરે છે અને લાખો રુપિયા વૃક્ષારોપણ પાછળ ખર્ચે છે. પરંતુ કેટલાક લોકો પોતાની દુકાન કે મિલકત બહાર પોતાના અંગત સ્વાર્થ માટે વૃક્ષો કાપી નાંખે છે. આવી જ એક ફરિયાદ પાલિકાના રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં થઈ છે. જ્યાં દુકાનદારને લાભ કરાવવા માટે આખું વૃક્ષ થડમાંથી કાઢી નાખવામાં આવ્યું ફોટા સાથે ફરિયાદ કરવામાં આવી છે.
વૃક્ષોનું આડેધડ છેદન
સુરત પાલિકા દ્વારા પર્યાવરણની જાળવણી માટે દર વર્ષે શહેરમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરે છે. પરંતુ ત્યાર બાદ કાળજી લેતી ન હોવાથી કેટલાક તત્વો દ્વારા પાલિકાએ રોપેલા વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક વખત પાલિકાના કર્મચારીઓ પણ વિલનની ભૂમિકા આવીને હેવી ટ્રિમિંગ કરી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે.
સુરતના એક માજી કોર્પોરેટરે રાંદેર ઝોનને ફરિયાદ કરી છે કે, અડાજણ રંગીલા સર્કલ મહાલક્ષ્મી મંદિર પાસે અસંખ્ય વૃક્ષોનું હેવી ટ્રિમિંગ કરવામાં આવ્યું છે અને એક દુકાનદાર ને લાભ કરાવવા માટે આખું વૃક્ષ થડ માંથી કાપી નાખવામાં આવ્યું છે. આવી વિવાદી કામગીરી માટે પાલિકાના ગાર્ડન વિભાગના કર્મચારી- અધિકારીઓ જવાબદાર છે. આ ઉપરાંત એક દુકાન બહાર તો આખું વૃક્ષ કાપી નાખવામાં આવ્યું છે. આવી રીતે વૃક્ષો કાપી પર્યાવરણને નુકસાન પહોંચાડનારા કર્મચારીઓ અને દુકાનદાર સામે પગલાં ભરવા માંગણી થઈ છે.