પોલીટેકનિક કોલેજ પાસે એસટી બસ પર વૃક્ષ પડતાં કાચ તૂટયા,ટ્રાફિક જામ
વડોદરાઃ પોલીટેકનિક કોલેજ પાસે આજે મોડી સાંજે એક તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં એસટી બસને નુકસાન થયું હતું.જ્યારે બે જણાને ઇજા થઇ હતી.બનાવને પગલે એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો.
પંડયા બ્રિજથી નીચે ઉતરતી વખતે પોલીટેકનિક કોલેજના ગેટ પાસે લાંબા સમયથી સુકાઇ ગયેલું તોતીંગ વૃક્ષ આજે સાંજે કડાકા સાથે તૂટી પડતાં ત્યાંથી હાલોલ તરફ જઇ રહેલી અમદાવાદ-તાડીયા એસટી બસ પર પડયું હતું.
જેને કારણે બસનું પતરું ફાટી ગયું હતું અને આગળનો કાચ પણ તૂટી ગયો હતો.આ ઉપરાંત બસની બારીઓને પણ નુકસાન થયું હતું.સારાનશીબે અંદર બેઠેલા પેસેન્જરોને કોઇ ઇજા થઇ નહતી.પરંતુ પાછળ આવતા સ્કૂટર ચાલક યુવક સહિત બે જણા દબાઇ જતાં કોલેજના વિદ્યાર્થીઓએ તેમને બચાવી સારવાર માટે મોકલ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે આખો રસ્તો બ્લોક હતો અને ટ્રાફિક પણ જામ હતો. જેથી વૃક્ષ ખસેડી ટ્રાફિક ચાલુ કરાવવામાં આવ્યો હતો.