Get The App

સિંહણનું ટ્રાન્ક્વિલાઈઝર લાગી ગયા બાદ સારવાર બેઅસર: ટ્રેકરનું મોત

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
સિંહણનું ટ્રાન્ક્વિલાઈઝર લાગી ગયા બાદ સારવાર બેઅસર: ટ્રેકરનું મોત 1 - image

નાની મોણપરીમાં બનેલી એક ઘટનાએ બે જીવ લીધા બેભાન કરવાનાં ઈન્જેક્શનની ગન ચલાવનાર વેટરનરી તબીબની બેદરકારી છે કે કેમ તે ચકાસવા તપાસ સમિતિ બનાવાશે 

જૂનાગઢ,  સિંહણને બેભાન કરવા સમયે ગનમાંથી છૂટેલું ઈન્જેક્શન સિંહણને બદલે ટ્રેકરને લાગી ગયાના ગીરના ઈતિહાસમાં પ્રથમવાર બનેલા બનાવમાં ટૂંકી સારવાર બાદ ટ્રેકર અશરફભાઈ ચૌહાણ (ઉ.વ.ર૮)નું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવમાં ટ્રાન્ક્વિલાઈઝર છોડનાર વેટરનરી તબીબની બેદરકારી છે કે કેમ ? એ જાણવા આગામી દિવસોમાં તપાસ કમિટી બનાવાશે.

નાની મોણપરીમાં બનેલી એક ઘટનાએ બે જીવ લીધા છે. ગઈકાલે વિસાવદર રેન્જના નાની મોણપરી ગામની સીમમાં ખેતરમાં રમી રહેલા શિવમ નામના 4 વર્ષના પરપ્રાંતીય બાળકને સિંહણે મોતને ઘાટ ઉતાર્યો હતો. સિંહણ અન્ય કોઈ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે સાસણથી રેસ્ક્યુ ટીમને બોલાવી તેને બેભાન કરી પકડવા માટેની તજવીજ ચાલતી હતી. સાસણની રેસ્ક્યુ ટીમના વેટરનરી તબીબે તુવેરના પાકમાં રહેલી સિંહણને બેભાન કરવા માટે ગનમાંથી ઈન્જેક્શન છોડયું હતું. આ ઈન્જેક્શન સિંહણને બદલે સિંહણની પાછળની સાઈડ રહેલા ટ્રેકર અશરફભાઈને ડાબા હાથમાં ઘૂસી ગયું હતું. અશરફભાઈને એનેસ્થેસીયા ભરેલું ઈન્જેક્શન ઘૂસી જતા તેમને તાત્કાલિક સારવાર માટે વિસાવદર અને ત્યાંથી જૂનાગઢ ખસેડાયા હતા. સારવાર દરમ્યાન આજે સવારે ૭ વાગ્યા આસપાસ અશરફભાઈએ અંતિમ શ્વાસ લીધો હતો. મૃતક વનકર્મીનું અવસાન થતા તેમના પરિવારજનોના રૂદનથી સિવિલ હોસ્પિટલ ખાતે ગમગીની વ્યાપી ગઈ હતી. અશરફભાઈ વિસાવદર તાલુકાના રાજપરા ગામના રહેવાસી હતા અને છેલ્લા ઘણા સમયથી વન વિભાગની સોસાયટીના કર્મચારી હતા. હુમલાખોર સિંહણ ગત રાત્રિના જ પકડાઈ ગઈ હતી. 

અધિકારીઓએ ટ્રેકરને ઉગારવા કરેલા તમામ પ્રયત્ન નિષ્ફળ

ગત રાત્રે જ આરએફઓ, એસીએફ, ડીસીએફ, સીએફ સહિતના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલ ખાતે દોડી જઈ ગમે તેટલો ખર્ચ થાય તે તેઓ પોતે ભોગવી લેશે એવી અશરફભાઈના પરિવારને સાંત્વના આપી હતી અને બચાવવા તમામ પ્રયત્ન કરી જોયા હતા. ખાનગી તબીબોને પણ સિવિલ હોસ્પિટલ ખાતે માર્ગદર્શન લેવા બોલાવ્યા હતા અને ઈન્ટરનેટ પર પણ ખાસ્સું સર્ચ કરી જોયું હતું કે આવું બને તો માણસને બચાવવા માટેનો ઉપચાર શું? પરંતુ, તેમાં પણ કશો જ ઉપાય મળ્યો નહીં અને બદનસીબે તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા.