દુબઈમાં નોકરીના નામે યુવકો સાથે છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ અમદાવાદ એરપોર્ટ પર પકડાયો
Dubai Job Fraud : વડોદરા દુબઈમાં નોકરી અપાવવાના નામે બે વર્ષ પહેલા અનેક યુવકો સાથે કરાયેલી ઠગાઈના કેસમાં પોલીસે એક આરોપીને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે.
વડોદરાના સમા સાવલી વિસ્તારમાં આવેલી ડ્રીમ કન્સલ્ટન્સીના નામે વર્ષ 2023 માં દુબઈમાં 60000 થી 1,80,000 સુધીની નોકરી માટેની જાહેરાત જોઈ ગાંધીનગરમાં રહેતા મનોજભાઈ રાજપૂતે તેમના દીકરા સ્મિત માટે તપાસ કરી હતી.
આ વખતે ઓફિસમાં જેનીલ પ્રજાપતિ નામના શખ્સે વાતચીત કરી હતી. મારા પુત્રએ 2.25 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ દુબઈ જવાની ટિકિટ અને કોલ લેટર માટે એક મોટું ફંક્શન કરી 60 જણાને એક સાથે આપવાના છે તેવી વાત કરી લાંબા સમય સુધી કોલ લેટર આપ્યો ન હતો અને પૈસા પણ પાછા આપ્યા ન હતા.
આ બનાવમાં અંદાજે 27 લાખ રૂપિયાનું ઘરાણુ કરી એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર થઈ જતા પોલીસે તપાસ કરી અગાઉ એક આરોપીને પકડ્યો હતો. તપાસમાં આકાશ કમલેશભાઈ રાજપુત (સ્વાદ ક્વાટર્સ,હરણી રોડ) નું પણ નામ ખુલ્યું હતું. જેથી પોલીસે તમામ એરપોર્ટને જાણ કરી હતી.
ગઈકાલે આકાશ દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર તેને રોકી દેવામાં આવ્યો હતો અને વડોદરા પોલીસને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે આકાશની ધરપકડ કરી હતી.