Gujarat

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે

By GS TEAM
15 May 20263 mins read
TukuTouch Logo
પેટ્રોલના લિટરદીઠ ભાવમાં Rs. 2.99 અને ડીઝલના લિટરદીઠ ભાવમાં Rs. 3.10નો વધારો કરવામાં આવતા ટ્રાન્સપોર્ટર્સ તેમના ટ્રાન્સપોર્ટના દરમાં વધારો કરશે. પરિણામે શાકભાજી સહિતની ઘરવપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. આ સિવાય ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ના દરમાં પણ વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, મોંઘવારીના વધારા સામે પગારમાં તેટલો વધારો ન થતો હોવાથી નોકરિયાત વર્ગના પરિવારોની હાલાકી વધી જવાની સંભાવના રહેલી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારી માઝા મૂકે તેવા સંકેત! પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ટ્રાન્સપોર્ટર્સ ભાડામાં વધારો કરી શકે

Petrol and Diesel Prices Hike: પેટ્રોલના લિટરદીઠ ભાવમાં Rs. 2.99 અને ડીઝલના લિટરદીઠ ભાવમાં Rs. 3.10નો વધારો કરવામાં આવતા ટ્રાન્સપોર્ટર્સ તેમના ટ્રાન્સપોર્ટના દરમાં વધારો કરશે. પરિણામે શાકભાજી સહિતની ઘરવપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. આ સિવાય ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) ના દરમાં પણ વધારો જોવા મળી શકે છે. બીજી તરફ, મોંઘવારીના વધારા સામે પગારમાં તેટલો વધારો ન થતો હોવાથી નોકરિયાત વર્ગના પરિવારોની હાલાકી વધી જવાની સંભાવના રહેલી છે.

ગુજરાત ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે કે, પેટ્રોલના દરમાં 3 થી 4%નો વધારો થયો હોવાથી કોન્ટ્રાક્ટ પર ટ્રાન્સપોર્ટના કામ કરનારાઓની મુશ્કેલીમાં વધારો થશે. આ અંગે સમજણ આપતા જાણકારો કહે છે કે, માલના પરિવહન માટે લાંબા ગાળાના કરારો કરનારાઓની શરતોમાં જણાવવામાં આવે છે કે પેટ્રોલ કે ડીઝલના દરમાં 5%નો વધારો થશે તો જ કરારના દરમાં સુધારો કરવામાં આવશે. આમ, 3 થી 4%ના વધારાનો લાભ તેમને મળશે નહીં અને તેમના માર્જિન કપાઈ જશે.

બીજું, ગુજરાતના ઘણા વિસ્તારોમાં પેટ્રોલ કે ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ જ નથી. ગુજરાતના કચ્છ વિસ્તારમાં તો પેટ્રોલ પમ્પ પર ઈંધણ આપવામાં રેશનિંગ ચાલી રહ્યું છે. કચ્છમાં સહકારી ધોરણે ચાલતા પેટ્રોલ પમ્પની સંખ્યા ઘણી વધારે છે. આ સહકારી પેટ્રોલ પમ્પ પર ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય માટે જે ડીઝલ આપવામાં આવે છે, તેના પર લિટરદીઠ Rs. 30 વધુ વસૂલવામાં આવી રહ્યા છે. પરિણામે, તેમની પાસેથી પેટ્રોલ કે ડીઝલ ખરીદનારાઓની સંખ્યા ઘટી રહી છે.

બીજી તરફ, નાયરાના પેટ્રોલ પમ્પ પર મળતા પેટ્રોલ અને ડીઝલના ભાવ બજારના અન્ય પમ્પ કરતા લિટરદીઠ Rs. 3 વધારે છે. આ ઉપરાંત, કચ્છમાં તો ઇંધણ ભરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ઘણીવાર જ્યારે ટ્રકનો વારો આવે ત્યારે ડીઝલ ખતમ થઈ ગયું હોય તેવું પણ જોવા મળે છે. જેને પરિણામે નાના ટ્રાન્સપોર્ટર્સની તકલીફ વધી રહી છે. મહેસાણા અને કચ્છ જેવા વિસ્તારોમાં પેટ્રોલ પમ્પ ખાસ્સા ડ્રાય (ખાલી) થઈ ગયા છે, જેના કારણે ટ્રાન્સપોર્ટના ખર્ચમાં 7%ની આસપાસનો વધારો થઈ શકે છે.

તદુપરાંત, જો કોઈ ટ્રાન્સપોર્ટર એક જ પેટ્રોલ પમ્પ પરથી કાયમી ધોરણે ઇંધણ ભરાવતા હોય, તો જ તેમને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ કે ડીઝલ આપવામાં આવે છે. જો કોઈ અજાણી કે સામાન્ય વ્યક્તિ 20 લિટરની જરૂરિયાત સામે ઇંધણ માંગે, તો તેમને માત્ર 5 લિટર જ ડીઝલ આપવામાં આવે છે અથવા સ્ટોક ખતમ થઈ ગયો હોવાનું જણાવી દેવામાં આવે છે. આ કારણે ટ્રાન્સપોર્ટર્સે ગાડી બીજા પમ્પ પર લઈ જવી પડે છે. આ પરિસ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટર્સ અને નાના કોમર્શિયલ વાહન માલિકો પરેશાન થઈ રહ્યા છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા લોકો એક ફેરાના ભાવમાં સીધો Rs. 500 થી 1000નો વધારો કરી દેશે. પરિણામે ફુગાવો વધી જવાની પૂરેપૂરી સંભાવના છે. અમુક કિસ્સાઓમાં ટ્રાન્સપોર્ટર્સ પોતાની નફાની ટકાવારી ઘટાડીને સપ્લાય ચાલુ રાખી શકે છે.