ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો
ઈન્સ્યોરન્સના રૃપિયા બાબતે ઝઘડો કરી ટ્રાન્સપોર્ટર પર હુમલો કરી તેનો મોબાઇલ ફોન અને કારની ચાવી લઇને જતા રહેલા આરોપી સામે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ન્યૂ વી.આઇ.પી. રોડ સિદ્ધાર્થનગર પાસે અનન્યા હાઇટ્સમાં રહેતા અશોક કુમાર ઓમપ્રકાશ શર્મા શ્રી રંગ માર્કેટ એસ.એક્ષ. લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 31મી તારીખે સાંજે મારી ઓફિસ પર આવીને શશીપાલ ઉર્ફે સોનુ (રહે. અમરદિપ હોમ્સ, સયાજીપુરા) એ કહ્યું કે,તમારી બે ગાડીના ઇન્સ્યોરન્સના 70 હજાર રૂપિયા મને આપવાના બાકી છે, તે મને આપો. મેં તેને કહ્યું કે, હાલમાં મારી પાસે રૂપિયા નથી. મોડા તમને આપી દઇશ. શશીપાલ ટેબલ પરથી મોબાઇલ ફોન અને કારની ચાવી લઇને બહાર નીકળી ગયો હતો. મેં તેની પાછળ જઇ મોબાઇલ તથા ચાવી પરત માંગતા તેણે મારી સાથે ઝપાઝપી કરી હતી. મને ગાળો બોલી માર માર્યો હતો. ઓફિસની બહાર પડેલી લોખંડની કોઇ વસ્તુ મને માથામાં મારી દીધી હતી. ત્યારબાદ તે ચાવી અને મોબાઇલ લઇને જતો રહ્યો હતો. હું હરણી પોલીસ સ્ટેશન આવતા મને ઇજા થઇ હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મને માથાના ભાગે છ ટાંકા આવ્યા હતા.