૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ
રેલવેમા જતા પાર્સલની ચોરી કરી હતી
સુપરવાઇઝર સાથે તેની પ્રેમિકાને પણ ઝડપી લેવામાં આવી દેવુ થતા બંનેએ ચોરી કરવાની યોજના બનાવી હતી
અમદાવાદ,રવિવાર
અમદાવાદથી રેલવે માર્ગથી આગ્રા અને જયપુર મોકલવામાં આવતા ચાંદી તેમજ અન્ય કિંમતી મત્તા ભરેલા પાર્સલ પૈકી નજર ચુકવીને રૂપિયા ૩૬ લાખની કિંમતની ૪૧ કિલો જેટલી ચાંદી ભરેલા પાર્સલની ચોરી મામલે સાબરમતી રેલવે પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઇઝર અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. દેવુ થઇ જતા અને મોજશોખ માટે બંનેએ ચોરી કરી હતી.
પાલડીમાં રહેતા ચિંતનભાઇ કોઠારી સાંરગપુર ખાતે ટ્રાન્સપોર્ટ કંપની ધરાવે છે. તેમને ટ્રાન્સપોર્ટથી પાર્સલ ટ્રેનમાં આગ્રા અને જયપુર મોકલવાનો કોન્ટક્ટ ચાલે છે. ગત ૬ ઓગસ્ટના રોજ તેમના ગોડાઉનથી ચાંદી, લોંખડની ચેઇન અને અન્ય ચીજવસ્તુના કુલ ૯૫ પાર્સલ ટ્રેનમાં લોડ કરવા માટે મોકલ્યા હતા. પરંતુ, રેલવે સ્ટેશન પર કામ ચાલુ હોવાથી ૯૫ પૈકી ૭૬ પાર્સલ પરત લવાયા હતા. જો કે બાહર મોકલવામાં આવેલા પાર્સલ પૈકી એક પાર્સલ ગુમ હતું. જેમાં રૂપિયા ૩૬ કિલોની કિંમતની ૪૧ કિલો ચાંદી હતી. આ અંગે ખાનગીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ફરહાન કાદિરે પાર્સલની ચોરી કરી હતી. જેથી ફરિયાદના આધારે સાબરમતી રેલવે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કાદિરે મોજશોખ અને દેવુ ચુકવવા માટે તેની પ્રેમિકા સાથે મળીને ચોરી કરી હતી અને ચોરીનું પાર્સલ તેની પ્રેમીકાને આપ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.