Get The App

વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહાર મંત્રીની જાહેરાત, હવેથી એસટી બસના પાસમાં આ સિસ્ટમ અમલી થશે

નવા શૈક્ષણિક વર્ષે માં ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસમાં મુસાફરી કરતા વિધાર્થીઓ માટે ઈ પાસ સિસ્ટમ

Updated: Jun 8th, 2023

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવહાર મંત્રીની જાહેરાત, હવેથી એસટી બસના પાસમાં આ સિસ્ટમ અમલી થશે 1 - image



ગાંધીનગરઃ ગુજરાતમાં અનેક વિદ્યાર્થીઓ એસટી બસમાં સ્કૂલ કોલેજ જતાં હોય છે. તે ઉપરાંત રોજે રોજ નોકરી ધંધાને કારણે અપડાઉન કરનારા મુસાફરોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. ત્યારે રાજ્ય સરકારે મુસાફરો અને વિદ્યાર્થીઓને લઈને એસટી બસમાં એક નવી સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં રાજ્યની એસટી બસોમાં મુસાફરી કરવા માટે ઈ- પાસ સિસ્ટમ શરૂ કરવામાં આવશે. 12મી જૂનથી કન્યા કેળવણીની ઉજવણી થશે ત્યારથી ઈ-પાસ સિસ્ટમનો અમલ શરૂ કરાશે. જેમાં અંદાજે 2.32 લાખ મુસાફરો તથા 4.92 લાખ વિદ્યાર્થીઓને લાભ થશે.

ઈ-પાસ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે
હાલમાં વિદ્યાર્થીઓએ ચાલુ સિસ્ટમ પ્રમાણે નિગમના કાઉન્ટર પરથી અરજી પત્રક મેળવીને તેને મેન્યુઅલી ભરવાનું હોય છે. ત્યાર બાદ તેને સ્કૂલ કોલેજના સહી સિક્કા કરાવવાના રહે છે. એ પછી નિગમના કાઉન્ટર પર એપ્લિકેશન ફોર્મ આપીને પૈસા ભરીને એસટીનો પાસ મેળવી શકાય છે. આ પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી લાઈનોમાં ઉભા રહી હાલાકીનો સામનો કરવો પડે છે. હવે મુસાફરો અને વિદ્યાર્થીઓને લાઈનમાં ઉભુ રહેવાની ઝંઝટમાંથી મુક્તી મળશે. હવે ઓનલાઈન પેમેન્ટ અને ઈ વેરિફિકેશનથી તરત જ પાસ મળી જાય તેવા હેતુથી ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન ઈ- સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે તેવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. 

હવેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે
ઈ-પાસ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીઓ અને મુસાફરો પોતે જ કોમ્પ્યુટર અથવા મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન કે ઓફલાઈન પેમેન્ટનું ઓપ્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓના કિસ્સામાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આ એપ્લિકેશનનું વેરિફિકેશન પણ જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન કરવામાં આવશે. ત્યારબાદ ઓનલાઈન અથવા ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આપવામાં આવશે. નિગમ દ્વારા હાલમાં પાસ વેરીફિકેશન માટે નિગમના પ્રીન્ટીંગ પ્રેસમાં છપાતી પ્રીપ્રીન્ટેડ સ્ટેશનરી પર પ્રિન્ટ આપવાની થતી હોવાથી ચુકવણી કર્યા બાદ વિદ્યાર્થીઓ અને મુસાફરો નિગમના કોઈપણ કાઉન્ટર પરથી પાસની પ્રિન્ટ મેળવી શકશે.

Tags :