Gujarat

ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન્ઝેક્શનો

By GS TEAM
17 Dec 20252 mins read
ઓનલાઇન ફ્રોડમાં લાલચમાં ભેરવાતા સામાન્ય લોકો  ૨૫ વર્ષના મજૂરના એકાઉન્ટમાં બે માસમાં ૮.૯૫ કરોડના ટ્રાન્ઝેક્શનો

વડોદરા, તા.17 છૂટક મજૂરી કરતા પાણીગેટ વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના યુવાનના બેન્ક એકાઉન્ટમાં માત્ર બે માસના ગાળામાં જ રૃા.૮.૯૫ કરોડના ટ્રાન્ઝેક્શન મળતા પોલીસ ચોંકી ગઇ છે. ઓનલાઇન ફ્રોડમાં ઉપયોગ થતાં આ નાણાંનો પર્દાફાશ થયા બાદ પોલીસ તેના ઘેર પહોંચી પરંતુ તે મળ્યો ન હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ઓનલાઇન ફ્રોડ માટેના મ્યૂલ એકાઉન્ટો ખોલાવવા પર સમગ્ર રાજ્યભરમાં સકંજો કસવામાં આવી રહ્યો છે. સમન્વય પોર્ટલ પર વડોદરાને લગતા બેન્ક એકાઉન્ટોની તપાસ દરમિયાન એક એકાઉન્ટ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું વાસણારોડ બ્રાંચનું શંકાસ્પદ મળ્યું હતું. આ એકાઉન્ટમાંથી રૃા.૨૧.૪૮ લાખના અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા હોવાની વિગતો બહાર આવી હતી.

એસબીઆઇના આ શંકાસ્પદ એકાઉન્ટને લગતી કુલ છ પોલીસ ફરિયાદો દાખલ થઇ હતી જેથી પાણીગેટ પોલીસ દ્વારા બેન્કમાંથી એકાઉન્ટની વિગતો મેળવતા તે એકાઉન્ટ ૨૫ વર્ષની વયના અરબ મહંમદ એજાઝ (રહે.રફાઇ એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, આજવારોડ)નું છે તેમજ તા.૨૨ મે ૨૦૨૪થી તા.૨૮ જુલાઇ ૨૦૨૪ દરમિયાન માત્ર બે માસના ગાળામાં કુલ રૃા.૮.૯૫ કરોડના નાણાંકીય વ્યવહારો થયા હોવાનું જણાયું  હતું. આ રકમ પૈકી રૃા.૨૧.૪૮ લાખ ગેરકાયદે ટ્રાન્ઝેક્શનથી મેળવ્યા હોવાની વિગતો જાણવા મળી  હતી.

આ અંગે પાણીગેટ પોલીસે અરબ સામે ગુનો દાખલ કરી તેના ઘેર પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે તે ઘરમાં મળ્યો ન હતો જેથી પોલીસે ઘરના સભ્યોને નોટિસ આપી  હતી. પોલીસે જણાવ્યું  હતું કે માત્ર ધોરણ-૧૦ સુધી ભણેલો અરબ અગાઉ પાંચ વર્ષ સુધી લારી ચલાવતો હતો અને હાલ છૂટક મજૂરી કરે છે. તેની ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.