Get The App

સાયબર ફ્રોડમાં જૂનાગઢની 'મ્યુલ ગેંગ'ના ખાતામાં રૂા.19 કરોડના વ્યવહાર થયા

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
સાયબર ફ્રોડમાં જૂનાગઢની 'મ્યુલ ગેંગ'ના ખાતામાં રૂા.19 કરોડના વ્યવહાર થયા 1 - image

નાણાં ટ્રાન્સફર કરવા બેંક એકાઉન્ટ ભાડે આપી કમિશન મેળવતા હતા

રૂા.રપ૩ કરોડના ફ્રોડમાં અનેક રાજ્યોના ૩૬૦ લોકો શિકાર બન્યાનું ખુલ્યું, સાયબર સેલ દ્વારા આઠ શખ્સોની ધરપકડ

જૂનાગઢ: રાજ્યભરમાં સાયબર ફ્રોડના ગુનામાં નાણાકીય વ્યવહારો કરવા માટે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પર શંકાસ્પદ ટ્રાન્જેક્શન વાળા ૯ બેંક ખાતાની તપાસ કરવામાં આવી હતી, જેમાં રૂા.૧૯ કરોડના વ્યવહારો થયા હોવાથી સાયબર સેલે કરોડોની રકમની છેતરપિંડીના ગુનામાં નવ યુવકો સામે ગુનો નોંધાયો છે. જે પૈકી આઠની ધરપકડ કરી છે. જ્યારે એનડીપીએસના ગુનામાં જેલમાં રહેલા એક યુવકની ધરપકડની તજવીજ હાથ ધરી છે. મ્યુલ બેંક ખાતા મારફત ૨૫૩ કરોડથી વધુ રકમની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે અને આ બેંક ખાતા સામે વિવિધ રાજ્યોમાં ૩૬૦ જેટલી ફરિયાદ નોંધાઇ છે. 

સાયબર સેલ દ્વારા સમન્વય પોર્ટલ પર રહેલા મ્યુલ બેંક ખાતાની તપાસ કરતા વિવિધ બેન્કોના નવ ખાતામાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારની હેરાફેરી થતી હતી. નવ ખાતાઓ દ્વારા સાયબર ફ્રોડ થયા અંગેની ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યોમાંથી ૩૬૦ ઓનલાઇન ફરિયાદ નોંધાઈ હતી. એકાઉન્ટ મારફત દેશના વિવિધ રાજ્યોમાં ૨૫૩ કરોડથી વધુની રકમની નાણાંકીય હેરાફેરી થઈ છે. જે રકમ દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ દ્વારા લોકોને છેતરી મેળવેલ હોવાનું સામે આવ્યું છે. સાયબર પોલીસે બેંક એકાઉન્ટ વિગતોના આધારે આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી(ઉ.વ.૨૭) રહે.જોષીપરા, જાવીદ કાળુભાઈ તુર્ક પઠાણ(ઉ.વ.૪૨) રહે.ડુંગરપુર, ભરત કાંતિભાઈ દેત્રોજા(ઉ.વ.૩૮) રહે. ઝાંઝરડા રોડ, અલ્તાફ કાળુ સમા(ઉ.વ.૩૫) રહે.દોલતપરા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા(ઉ.વ.૨૩) રહે.માળીયાહાટીના, ચિરાગ શાંતિલાલ સાધુ(ઉ.વ.૨૭) રહે.ભેસાણ અને રક્ષિત પરસોતમ કાછડીયા(ઉ.વ.૩૭) રહે.વડાલ ને ઝડપી લીધા છે. 

પ્રાથમિક પૂછપરછમાં યુવકો દ્વારા બેંક ખાતુ ભાડે આપીને તેના બદલામાં કમિશન મેળવતા હોવાની કબૂલાત કરી હતી. ગઈકાલે પોલીસ દ્વારા સાયબર ફ્રોડના ૨૪.૫૦ લાખની નાણાંની હેરાફેરીની વિવિધ રાજ્યોમાંથી થયેલી ૧૦ ફરિયાદમાં બે યુવકોની ધરપકડ કરી હતી. વધુ ૨૫૩ કરોડથી વધુની રકમનું મસમોટું સાયબર ફ્રોડમા નવ વ્યક્તિનું કનેક્શન ખુલતા જૂનાગઢ જિલ્લામાં પણ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટનો રાફડો હોવાની સંભાવના સેવાઈ રહી છે. ૨૫૩ કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ આચરવાના ગુનામાં સાયબર પોલીસે નવ આરોપીઓ સામે બીએનએસ ૩૧૭(૨), ૩૧૮(૪), ૩૧૮(૪), ૫૪ તથા આઈટી એક્ટ ૬૬(ડી) અન્વયે ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.

જેલમાં રહેલા જૂનાગઢના આરોપીનો કબ્જો મેળવવા તજવીજ

સાયબર ફ્રોડના ગુનામાં કરોડોની રકમની હેરાફેરીમાં કુલ નવ યુવકોના નામ સામે આવ્યા છે. જેમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં રહેલા હુસેન નાશીરભાઈ તુર્ક રહે.જોષીપરાની સાયબર સેલ દ્વારા જેલમાંથી વોરંટના આધારે કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વિવિધ બેંકોના ખાતા દ્વારા છેતરપિંડી 

સાયબર ફ્રોડના ગુનામાં ઝડપાયેલા  આઠ યુવકોના કેનેરા બેન્ક, ઇન્ડિયન બેંક, યસ બેન્ક, એકસીસ બેંકમાં ૨, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયા નવ મ્યુલ બેંક ખાતાઓના માધ્યમથી કરોડોની રકમની નાણાકીય હેરાફેરી કરવામાં આવી હતી.  નવ મ્યુલ બેંક ખાતા મારફત થયેલ રાજ્યભરમાં ૩૬૦ ઓનલાઇન ફરિયાદ નોંધાઇ છે. જેમાં મુખ્યત્વે ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી રોકાણની લાલચમાં, નફો મેળવવા, વિવિધ લોભામણી લાલચમાં આકર્ષાઈ નાણા ટ્રાન્સફર કર્યા હતા અને તે રકમ સાયબર માફિયાઓએ ગપચાવી છેતરવામાં સફળ થયા હતા.