ઈન્વેસ્ટમેન્ટ કરાવી નાણાં વિદેશ મોકલવાના રેકેટમાં 1438 કરોડના વ્યવહારો મળ્યા
લોકોને ઊંચા વળતરની લાલચ આપી સેબી-RBIની મંજૂરી વિના રોકાણ કરાવતા હતા
આંગડીયા મારફતે પણ રૂ.100 કરોડના વ્યવહારો થયા છે : કંપનીના બેન્ક એકાઉન્ટો ઉપર દેશભરમાં સાયબર ફ્રોડની 171 ફરિયાદ
- લોકોને ઊંચા વળતરની લાલચ આપી સેબી-RBIની મંજૂરી વિના રોકાણ કરાવતા હતા
- આંગડીયા મારફતે પણ રૂ.100 કરોડના વ્યવહારો થયા છે : કંપનીના બેન્ક એકાઉન્ટો ઉપર દેશભરમાં સાયબર ફ્રોડની 171 ફરિયાદ
સુરત, : સેબી-આરબીઆઈની મંજૂરી વિના ઉંચા વળતરના નામે રોકાણ કરાવી રૂપિયા દુબઇ મોકલવાના કૌભાંડમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે હાથ ધરેલી તપાસમાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.1438 કરોડથી વધુના નાણાંકીય વ્યવહારો મળ્યા છે.તેમજ આંગડીયા મારફતે પણ રૂ.100 કરોડની આસપાસના નાણાંકીય વ્યવહારો થયા છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉત્રાણ પ્રગતિ આઇટી પાર્કના બી બિલ્ડીંગ અને રાજકોટના 150 ફૂટ રીંગરોડ સ્થિત શીતલ પાર્ક ચોકના ધ સ્પાયર-2 માં વર્ષ 2022 થી ધમધમતી આઇવી ટ્રેડ, સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડ નામની કંપનીમાં સાયબર ક્રાઇમે દરોડા પાડયા હતા. માસિક 7 થી 11 ટકા ઉંચા વળતરની લાલચ આપી શેરબજાર અને કરન્સી માર્કેટમાં રોકાણના નામે કરોડો રૂપિયા ઉઘરાવી દુબઇથી આચરવામાં આવતા સાયબર ફ્રોડના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો.બંને ઓફિસમાંથી પોલીસને મળેલા રૂ. 40 લાખની રોકડ સહિતના ડોક્યુમેન્ટ્સ જેવા કે બેંક એકાઉન્ટની ડિટેઇલ્સ, આંગડિયા થકીના વ્યવહારોની ચિઠ્ઠીના આધારે રૂ. 335 કરોડના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા.
આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડ કંપનીના માલિક નવીનચંદ્ર ધાનકના પુત્ર ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક, પ્રાવીયો સોલ્યુશન પ્રાઇવેટ લિમીટેડના જયસુખ પાટોળીયા અને યશ પાટોળીયા પૈકી ડેનીશના જામનગર ખાતે રહેતા સાળા અજય ઉર્ફે ગોપાલ રાજેશભાઇ ભિંડીની બે સિવસ અગાઉ ધરપકડ કરી હતી.તે ડેનીશના નાણાંકીય અને આંગડિયાના વ્યવહારો સંભાળતો હતો.દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસે અત્યાર સુધી હાથ ધરેલી તપાસમાં ઝડપાયેલા અને વોન્ટેડ આરોપીઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.1438,50,60,859 ના નાણાંકીય વ્યવહારો મળ્યા હતા.એટલું જ નહીં આ ટોળકીએ આંગડીયા મારફતે પણ રૂ.100 કરોડની આસપાસના નાણાંકીય વ્યવહારો કર્યાનો ખુલાસો થયો છે.ટોળકીની કંપનીના બેન્ક એકાઉન્ટો ઉપર દેશના 23 રાજ્યોમાં નેશનલ સાયબર ક્રાઈમ રીપોર્ટીંગ પોર્ટલ ઉપર સાયબર ફ્રોડની 171 ફરિયાદ પણ નોંધાઈ છે.