નલ સે જલના ૧૨૩.૨૨ કરોડના કૌભાંડમાં ૧,૪૦૦ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન
ઘર છોડીને ભાગી ગયેલા આરોપીઓના ઘરે સી.આઇ.ડી.ના દરોડામાં કોઇ વાંધાજનક દસ્તાવેજો ના મળ્યા
વડોદરા,મહિસાગર જિલ્લાના નલ સે જલ કૌભાંડમાં તપાસ કરતી સી.આઇ.ડી.ની ટીમે આરોપીઓના ઘરે તપાસ કરી છે. ઘરેથી કોઇ દસ્તાવેજો મળી આવ્યા નથી અને તમામ આરોપીઓ ઘર છોડીને જતા રહ્યા છે. ૧૨૩.૨૨ કરોડના કૌભાંડમાં પોલીસ બેન્ક એકાઉન્ટની વિગતો એકત્રિત કરી રહી છે.
સતત પાંચ વર્ષ સુધી મહિસાગર જિલ્લામાં આચરવામાં આવેલા નલ સે જલ કૌભાંડમાં ખાતાકીય તપાસ પછી સી.આઇ.ડી.ક્રાઇમ વડોદરા ઝોનમાં કુલ ૧૨ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. ગાંધીનગર સી.આઇ.ડી.ના ડીવાય.એસ.પી. એ.એમ.પટેલે ચાર ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, પાલનપુર, મહિસાગર સહિતના સ્થળોએ પોલીસે આરોપીઓના ઘરે દરોડા પાડયા છે. પરંતુ કોઇ આરોપી મળી આવ્યા નથી તેમજ કોઇ શંકાસ્પદ દસ્તાવેજો પણ પોલીસને મળ્યા નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, પાણી સમિતિના ૬૦૦, એજન્સીઓના ૭૫૦ સહિત કુલ ૧,૪૦૦ બેં ક એકાઉન્ટમાં નાણાંકીય વ્યવહારો થયા હતા. આ તમામ બેન્ક એકાઉન્ટની વિગતો સી.આઇ.ડી. દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કૌભાંડ ખોટા બિલ બનાવની આચરવામાં આવ્યું હતું. આ બિલ કઇ એજન્સીના હતા અને કેવી રીતે કોના માર્ગદર્શનથી બનાવવામાં આવ્યા હતા. તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે. જોકે, એજન્સીના સંચાલકોની પૂછપરછ પછી જ વધુ વિગતો બહાર આવશે. હાલમાં તમામ ૧૨ આરોપીઓ પોલીસ ધરપકડથી બચવા માટે ભાગી રહ્યા છે. ત્યારે એજન્સીના સંચાલકો પાસેથી પોલીસને વધુ વિગતો મળી શકે તેમ છે.