વઢવાણમાં હત્યાના આરોપીને ફાંસીની માંગ સાથે ટ્રેન રોકી દેવાઈ
ગત રવિવારે છરીના ઘા ઝીંકી યુવતીની હત્યા કરાઈ હતી
બુધવારે મોડીસાંજે ગણપતિ ફાટકે રોડ ચક્કાજામ કરી સુુરેન્દ્રનગરથી ભાવનગર જતી લોકલ ટ્રેન રોકી દેવાઈ
સુરેન્દ્રનગર - વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારમાં ગત રવિવારે સારેઆમ છરીના ઘા ઝીંકી યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં ઝડપાયેલ આરોપીનું આ વિસ્તારમાં જાહેરમાં ફુલેકું કાઢવા અને તેને ફાંસી આપવાની માંગ સાથે રહિશોએ રસ્તો ચક્કાજામ કરી ટ્રેન રોકી દેતા દોડધામ મચી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય પાયલ સોલંકી રવિવારે સવારે કામે જઈ રહી હતી ત્યારે લાલ બંગલાવાળી શેરીમાં ઉભેલા અમન રાઠોડ નામના યુવાને છરીના ઘા ઝીંકી પાયલની કરપીણ હત્યા નિપજાવી હતી. બનાવના ટુંકા સમયગાળામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો યુવતીની સરેઆમ થયેલી હત્યથી આ વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી સરકારમાં યુવતીની આવી રીતે જાહેરમાં થયેલ હત્યાને લીધે રોષે ભરાયેલા ગણપતિ ફાટસર વિસ્તારના લોકોએ બુધવારે સાંજના સમયે ગણપતિ ફાટકે ચક્કાજામ કરી દીધો હતો જેને લીધે બાયપાસ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી આ સમયે સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ જતી લોકલ ટ્રેન જોરાવરનગરથી વઢવાણ તરફ જતા લોકોએ તેને પણ રોકી દીધી હતી અને રેલ્વે ટ્રેક ઉપર લોકો બેસી ગયા હતા. આ બનાવની જાણ થતાં વઢવાણ પોલીસ અને રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અંદાજે અડધા કલાકની સમજાવટ બાદ લોકોને રેલ્વે ટ્રેક પરથી દુર કરી ટ્રેનને ભાવનગર તરફ રવાના કરાઈ હતી. ઝડપાયેલ આરોપી અમન રાઠોડનું ફાટસર વિસ્તારમાં જાહેરમાં ફુલેકુ કાઢવા અને તેને ફાંસી આપવા લોકોની માંગ ઉઠી હતી.