ડભોઇ - બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો
સ્પેશિયલ ટ્રેનોનું વડોદરા , દાહોદ સ્ટોપેજ

ડભોઇ - બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો, ટ્રેકથી દુર રહેવા લોકોને અપીલ
વડોદરા વિભાગ દ્વારા ડભોઇ - બોડેલી સેક્શનમાં ટ્રેનોની ગતિ 75 કિ.મી. પ્રતિ કલાકથી વધારી 110 કિ.મી. પ્રતિ કલાક કરવામાં આવી છે. જેથી ટ્રેન સંચાલન કાર્યક્ષમતામાં સુધારો થશે અને મુસાફરોને ઝડપી અને વધુ સમયબદ્ધ ટ્રેન સેવા મળશે. રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ રેલ્વે લાઇન ઓળંગે નહીં, ફક્ત નિયુક્ત દરવાજા અથવા ઓવરબ્રિજનો ઉપયોગ કરે. ઝડપથી દોડતી ટ્રેનોને કારણે રેલ્વે ટ્રેક નજીક બિનજરૂરી ઊભા રહેવું અથવા ચાલવું અત્યંત જોખમી બની શકે છે.
બાંદ્રા ટર્મિનસ - જોધપુર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનું વડોદરા સ્ટોપેજ રહેશે
તા.27 ઓક્ટોબરે સોમવારે સવારે 10 કલાકે બાંદ્રા ટર્મિનસ - જોધપુર બાંદ્રાથી ઉપડશે. અને બીજા દિવસે સવારે 11:25 કલાકે જોધપુર પહોંચશે. તેવી જ રીતે જોધપુર - બાંદ્રા ટર્મિનસ તા.26 ઓક્ટોબરે રવિવારે સવારે 6:45 કલાકે ઉપડશે. અને બીજા દિવસે સવારે 7 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી ,પાલઘર, વાપી, વલસાડ ,નવસારી, સુરત ,ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા સહિતના સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનોનું બુકિંગ 26 ઓક્ટોબરથી શરૂ થશે.
બાંદ્રા ટર્મિનસ- લુધિયાણા અને મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી ટ્રેનોનું દાહોદ સ્ટોપેજ
26 ઓક્ટોબરે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરનાર બાંદ્રા ટર્મિનસ- લુધિયાણા સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર સવારે 5:25 કલાકે પહોંચશે. તેવી જ રીતે 28 ઓક્ટોબરે લુધિયાણાથી પ્રસ્થાન કરનાર લુધિયાણા- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર રાત્રે 11: 53 કલાકે પહોંચશે. તેમજ 25 ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલથી પ્રસ્થાન કરનાર મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર સાંજે 4:48 કલાકે પહોંચશે. તેવી જ રીતે 26 ઓક્ટોબરે શકુર બસ્તીથી પ્રસ્થાન કરનાર શકુર બસ્તી - મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ દાહોદ સ્ટેશન પર રાત્રે 12:30 કલાકે પહોંચશે.
ઉધના - સમસ્તીપુર અને અંકલેશ્વર- સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો વડોદરા રોકાશે
તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વધુ છ જોડી અનારક્ષિત તહેવાર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. જેમાં ઉધના - સમસ્તીપુર અને અંકલેશ્વર- સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો બંને દિશાઓમાં વડોદરા સ્ટેશન પર રોકાશે. ઉધના - સમસ્તીપુર ટ્રેનોના તા .23 થી 27 ઓક્ટોબર સુધીમાં 7 ફેરા રહેશે. તેમજ અંકલેશ્વર- સમસ્તીપુર અનારક્ષિત સ્પેશિયલ ટ્રેનો બંને દિશાઓમાં વડોદરા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનોના તા .23 થી 26 ઓક્ટોબર સુધીમાં 4 ફેરા રહેશે.

