રેલવે સ્ટેશને બિહારથી આવતી ટ્રેનમાં ચેકિંગ, ૧૭ સગીરો મળ્યા
વાલી વગર પ્રવાસ કરતા સગીરો કોઇ કારણ ના જણાવી શકતા ચાઇલ્ડ વેલફેર કમિટિને સોંપાયા
વડોદરા, તા.16 બાળકોને બળજબરીપૂર્વક મદરેસામાં લઇ જવામાં આવ્યા હોવાની માહિતીના આધારે વડોદરા રેલવે સ્ટેશન પર બિહાર તરફથી આવેલી ટ્રેનના દરેક કોચમાં તપાસ હાથ ધરતાં કુલ ૪૧ બાળકો, વ્યક્તિઓ મળી હતી જે પૈકી ૧૭ સગીરો હતા અને તેઓની સાથે કોઇ વાલીવારસો નહી હોવાથી તમામને ચાઇલ્ડ વેલફેર કમિટિને સોંપવામાં આવ્યા હતાં.
મધ્યપ્રદેશની ચાઇલ્ડ વેલફેર કમિટિ તરફથી રેલવે તંત્રને એવો મેસેજ મળ્યો હતો કે કેટલાક બાળકોને બળજબરીપૂર્વક મદરેસામાં લઇ જવામાં આવે છે અને તેઓ કટિહાર-મુંબઇ સ્પેશિયલ ટ્રેનના વિવિધ કોચમાં મુસાફરી કરી રહ્યા છે. આ મેસેજને ગંભીરતાથી લઇને રેલવે પોલીસ, આરપીએફની વિવિધ ટીમો રેલવે સ્ટેશન પર ગોઠવાઇ ગઇ હતી. બપોરે અઢી વાગ્યાની આસપાસ વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા ટ્રેનના દરેક કોચમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન જેઓની સાથે વાલીવારસો ના હોય તેવા કુલ ૪૧ બાળકો, વ્યક્તિઓ મળી હતી. તમામને વડોદરા રેલવે સ્ટેશન પર ઉતારીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી. પોલીસે તમામના દસ્તાવેજો તપાસતા અને પૂછપરછ કરતાં તેઓ બિહારની કટિહારથી ટ્રેનમાં બેઠા હતા તેમ જાણવા મળ્યું હતું. કુલ ૪૧ પૈકી ૨૪ સગીર નહી હોવાનું જાણવા મળ્યું હતું તેઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ નોકરી ધંધા માટે સુરત જતા હતાં.
જ્યારે ૧૭ સગીરો હતા અને તેઓની સાથે કોઇ વાલી નહી હોવાથી તેઓની સઘન પૂછપરછ કરતાં તેઓ ટ્રેનમાં પ્રવાસનું ચોક્કસ કારણ જણાવી શક્યા ન હતાં. બાદમાં તમામનું કાઉન્સેલિંગ કરીને વડોદરાની ચાઇલ્ડ વેલફેર કમિટિને સોંપવામાં આવ્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ જ ટ્રેનમાંથી રતલામ રેલવે સ્ટેશન પર ત્રણ સગીરોને ઉતારી દેવાયા હતાં. ચાઇલ્ડ વેલફેર કમિટિ દ્વારા તમામ સગીરોની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.