મોરબીમાં ગમખ્વાર અકસ્માત, કાર પર કન્ટેનર પલટી જતાં ટંકારાના દંપતીનું કમકમાટીભર્યું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Morbi Road Accident: મોરબીના જુના ઘુંટુ રોડ પર એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. વળાંક લેતી વખતે એક વિશાળ કન્ટેનર કાર પર પલટી મારી જતાં કારમાં સવાર પતિ-પત્નીના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કન્ટેનરચાલકે વળાંક લેતી વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
મળતી માહિતી અનુસાર, મોરબીના જુના ઘુંટુ રોડ પર 'નવ નાલા' તરીકે ઓળખાતા પુલિયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરચાલકે વળાંક લેતી વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કન્ટેનર સીધું બાજુમાંથી પસાર થતી કાર પર પલટી મારી ગયું હતું. કન્ટેનરના વજન નીચે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ કારમાં ટંકારાના એક જ પરિવારના 4 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 40 વર્ષીય મંજુબેન કુંઢીયા અને તેમના પતિ 45 વર્ષીય મનસુખ કુંઢીયાનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં બિલાડી પર પથ્થરો મારી ઘાતકી હત્યા કરનારની ધરપકડ, ચોંકાવનારું કારણ આવ્યું સામે
અકસ્માતનો ભોગ બનનાર પરિવાર ટંકારાનો રહેવાસી છે. મૃતક મંજુબેનના ભાઈનું અવસાન થયું હોવાથી તેઓ પતિ અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવદ માઠા પ્રસંગે (શોકસભામાં) ગયા હતા. ત્યાંથી પરત ટંકારા આવી રહ્યા હતા ત્યારે જ આ કરુણ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 60 વર્ષીય નાથાભાઈ કુંઢીયા અને 55 વર્ષીય જયાબેન નાથાભાઈ કુંઢીયા (ઉ.વ.55)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બચાવ કામગીરી અને પોલીસ કાર્યવાહી
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી હતી અને પોલીસને જાણ કરી હતી. હાલ મોરબી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. એક જ પરિવારના બે સભ્યોના મોતથી ટંકારા પંથકમાં અને કુંઢીયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.








