રાજકોટના સોની બજારની ઈમારતમાં ભડાકા બાદ ભીષણ આગ, એક કારીગરનું મોત

Rajkot Fire: રાજકોટના સોની બજાર વિસ્તારમાં આવેલ શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમાં માળે મોડી રાતે ભીષણ આગ લાગી હતી. સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પોલિશિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટર્સે લગભગ ચાર કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં એક કારીગરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક કારીગર ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
શોર્ટ સર્કિટ પ્રાથમિક અનુમાન, સિલિન્ડર બ્લાસ્ટથી વિકરાળ સ્વરૂપ
આ અંગે માહિતી આપતાં એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું કે, 'શ્રીહરી કોમ્પ્લેક્ષના પાંચમાં માળે આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.' ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પાંચમાં માળે પતરાનો ડોમ (શેડ) બનાવવામાં આવ્યો હતો, જ્યાં કારીગરો ચાંદીના ઘરેણાંનું બફિંગ કરતાં હતાં. આ દરમિયાન બફ મશીનમાં આગ લાગી હતી. સોનીકામ માટે દુકાનમાં રાખવામાં આવેલા LPG ગેસના 4 સિલિન્ડર પૈકી એક સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટેરેસ ઉપરનો આખો ડોમ સળગી ગયો હતો.
ગેરકાયદે બાંધકામની તપાસ થશે
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત, કોમ્પ્લેક્ષની અગાસી પર બનાવવામાં આવેલ શેડ કાયદેસર છે કે ગેરકાયદે તેની પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોની બજારની શેરીઓ સાંકડી હોવાથી ફાયર ફાઈટરને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં સતત પાણીનો મારો ચલાવીને મોટી દુર્ઘટના થતી અટકાવવામાં આવી હતી.