Gujarat Pilgrims Bus Accident: ગુજરાતના યાત્રાળુઓ માટે રાજસ્થાનથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના સીકર જિલ્લામાં ફતેહપુર પાસે સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 યાત્રાળુઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 28 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 7લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનના ફતેહપુર શેખાવાટીમાં જયપુર-બીકાનેર નેશનલ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના વલસાડના યાત્રાળુઓથી ભરેલી એક સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દુર્ઘટના મંગળવારે રાત્રે લગભગ 10:40 વાગ્યે ફતેહપુર પાસે બની હતી. બસમાં સવાર તમામ યાત્રાળુઓ વલસાડ (ગુજરાત)ના રહેવાસી હતા. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને ખાટુશ્યામજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલા એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને ઘણા યાત્રાળુઓ સીટોમાં જ ફસાઈ ગયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. હાઈવે પરથી પસાર થતા લોકો અને સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક ફતેહપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી 15 ગંભીર રીતે ઘાયલ યાત્રાળુઓને વધુ સારવાર માટે સીકર રિફર કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવર કમલેશ અને મયંક નામના યાત્રાળુનું મોત થયું હતું, જ્યારે એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બસમાં સવાર શીલા બેને જણાવ્યું કે, મોટાભાગના યાત્રાળુઓ સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક જોરદાર ઝટકો લાગ્યો અને બસમાં અફરાતફરી મચી ગઈ હતી.


