For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેન્ટીંગ કામ કરતા સમયે સર્જાઈ કરુણાંતિકા, અમદાવાદમાં એસ્પાયર-ટુના બાંધકામ સમયે સ્લેબનુ માળખું તૂટી પડતાં ૭ શ્રમિકનાં મોત

ઘટના અંગે ફાયર અને પોલીસને પણ અંધારામાં રખાઈ, મ્યુનિ.તંત્રે બાંધકામ માટે અપાયેલી રજા ચિઠ્ઠી સ્થગિત કરી

Updated: Sep 14th, 2022


અમદાવાદ,બુધવાર,14 સપ્ટેમ્બર,2022

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-ટુ નામના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહયુ હતુ.આ સમયે માંચડો તુટી પડતા આઠ શ્રમિકોનાં મોત નિપજવાની કરુણાંતિકા સર્જાઈ હતી.આ ઘટનાની આઘાતજનક બાબત તો એ હતી કે,તેરમા માળથી બેઝમેન્ટના માઈનસ -ટુ સુધી આઠ શ્રમિકો પડયા હતા. આઠ શ્રમિક પૈકી માત્ર એક શ્રમિક હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.શ્રમિકોને કામગીરીમાં મદદ મળી રહે એ માટે વચ્ચે બાંધવામાં આવેલી નેટ પણ આ શ્રમિકોને બચાવી શકી નહોતી.સવારે ૯.૩૦ કલાકે બનેલી આ દુર્ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને પણ કરવામાં આવી નહોતી.ફાયર વિભાગને મિડીયા દ્વારા જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.એ સમયે એક પણ ઓફિસ બેરર સ્થળ ઉપર હાજર નહોતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી બાંધકામની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે.વિપક્ષ કોંગ્રેસ દ્વારા બાંધકામ માટે આપવામાં આવેલી રજા ચિઠ્ઠી રદ કરવા માંગ કરાઈ છે.

શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં બુધવારે સવારે બનેલી ઘટનામાં એસ્પાયર-ટુ માટે બાંધકામ ચાલી રહયુ હતુ એ સમયે ૧૩ માળ ઉપર લિફટના શાફટનું ધાબુ ભરવાની કામગીરી કરી રહેલા શ્રમિકો કાંઈ સમજી શકે એ પહેલાં ધડાકાભેર સ્લેબ તૂટી પડતા આઠ શ્રમિકો તેરમાં માળથી બેઝમેન્ટના માઈનસ-ટુ સુધી નીચે પટકાઈ પડયા હતા.ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ,બિલ્ડિંગના તેરમા માળ ઉપર સ્લેબ ઉપર લિફટ બનાવવા માટે આઠ શ્રમિકો કામ કરી રહયા હતા.આ સમયે તેરમા માળનો માંચડો ભારે વજનના કારણે તૂટી પડતા તમામ આઠ શ્રમિકો નીચે પટકાયા હતા.

ઘટના બન્યાની ગણતરીની મિનીટોમાં આસપાસના બિલ્ડિંગના લોકોએ શ્રમિકોના રેસ્કયૂ  માટેના પ્રયાસ શરુ કર્યા હતા.દરમિયાન બે શ્રમિકોને  બહાર કાઢી એમબ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પંદર મિનીટથી વધુ સમય બાદ ફરી કોઈનું ધ્યાન ગયુ હતુ કે, માત્ર બે શ્રમિકો જ નથી બીજા પણ શ્રમિકો છે.ત્યારબાદ ફરી તપાસ હાથ ધરવામાં આવતા વધુ ચાર શ્રમિકોને જે બેઝમેન્ટમાં ફસાયા હતા એમને બહાર કાઢવામાં આવ્યા હતા.આજ ક્રમમાં  પાણીથી ભરેલા બે બેઝમેન્ટમાં ફસાયેલા વધુ બે શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

શ્રમિકોને કામ કરવા માટે આઠમા માળ ઉપર નેટ બાંધવામાં આવી હતી.શ્રમિકો આઠમા માળ ઉપર બાંધવામાં આવેલી નેટમાં પટકાઈ પડયા હતા.પરંતુ ભારે વજનથી નેટ પણ તૂટી પડતા આઠમા માળથી શ્રમિકો ધડામ  દઈ નીચે પટકાયા હતા.આ પૈકી બે શ્રમિકો ગ્રાઉન્ડ ફલોર ઉપર જયારે છ શ્રમિકો બેઝમેન્ટમાં પટકાઈ પડયા હતા.બિલ્ડર ડેવલપરોની આ ઘટનામાં ગંભીર બેદરકારી જોવા મળી હતી.ઘટના સવારે ૯.૩૦ કલાકે બનવા પામી હતી.જે અંગેની જાણ મિડીયા દ્વારા અમદાવાદ ફાયર વિભાગને ત્રણ કલાક બાદ થતા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા ઉપરાંત એડીશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી ફાયરના અન્ય અધિકારીઓ અને જવાનો સાથે ઘટના સ્થળે ત્રણ કલાક બાદ પહોંચ્યા હતા.

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાના કહેવા મુજબ,ઘટના અંગે ફાયર વિભાગને કોઈ સત્તાવાર કોલ આપવામાં આવ્યો નહોતો. ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો એ સમયે સ્થળ ઉપર કોઈ ઓફિસ બેરર પણ હાજર જોવા મળ્યો નહોતો.કરુણાંતિકામાં જે શ્રમિકોના મોત થયા હતા તેમના મૃતદેહને ૧૦૮ મારફત સોલા સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ થતા શહેરના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રમિકો પૈકી મોટાભાગના શ્રમિક દેવગઢ બારીયા ઉપરાંત ઘોઘાબા અને રાજસ્થાનના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યુ છે.

શહેરમાં બનેલી આ ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ-ટી.ડી.ઓ વિભાગ પણ હરકતમાં આવ્યુ હતુ.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને પુછવામાં આવતા તેમણે કહયુ,ડેવલપરને બાંધકામ અંગે આપવામાં આવેલી રજા ચિઠ્ઠી હાલની પરિસ્થિતિમાં સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ અને ઉપનેતા નિરવબક્ષી ઘટના બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.બાદમાં પ્રતિક્રીયા આપતા કહયુ,આ બિલ્ડર દ્વારા ત્રણ વર્ષ અગાઉ બનાવવામાં આવેલા કલાઉડ-૯ નામના બિલ્ડિંગના નિર્માણ સમયે પણ દુર્ઘટના બનવા પામી હતી.જે સમયે ત્રણ શ્રમિકોનાં મોત થવા પામ્યા હતા.આજે આઠ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડેવલપરને આપવામાં આવેલી બાંધકામની મંજુરી રદ કરવી જોઈએ એવી કોંગ્રેસની માંગ છે.

ચાર દિવસ પહેલા કામે આવેલા શ્રમિકની ગંભીર હાલત

રાજસ્થાનના બાંસવાડાના મુળ રહેવાસી અને ચાર દિવસ પહેલા એસ્પાયર-ટુની બાંધકામ સાઈટ ઉપર કામે લાગેલ શ્રમિકની હાલ ગંભીર સ્થિતિ છે.આ શ્રમિકના છ મહિના પહેલા જ લગ્ન થયેલા છે અને અમદાવાદ તે કામ માટે આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

વડાપ્રધાને ટવીટ કરી મૃતક પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી

અમદાવાદમાં આઠ શ્રમિકોના મોત અંગે બનેલી કરુણાંતિકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ લઈ ટવીટ કરી ઘટનામાં માર્યા ગયેલા શ્રમિકોને શોકાંજલિ અર્પવાની સાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.સાથે જ સ્થાનિક પ્રશાસન તરફથી બનતી તમામ મદદ અપાશે એવી આશા વ્યકત કરી હતી.

આઠમા માળથી શ્રમિકો ભાગ્યા

અમદાવાદમા બનેલી કરુણાંતિકાની આઘાતજનક બાબત તો એ હતી કે,આઠમા માળ ઉપર કામ કરી રહેલા શ્રમિકોએ ધડામ કરતો અવાજ સાંભળી બીજા મજુરો સાથે આઠમા માળથી નીચે ગ્રાઉન્ડ ફલોર  તરફ ગયા એ સમયે છઠ્ઠા માળ ઉપર ટાઈલ્સ લગાવવાની કામગીરી કરતા બે વ્યકિત બહાર પડેલા જોવા મળ્યા હતા.આ સમયે બીજા લોકો કયાં છે એની તપાસ કરવા તેઓ છેક ૧૪મા માળ સુધી ગયા હતા.ત્યાં પહોંચતા ફોલ તૂટેલો જોવા મળતા ફરી બીજા મજુરોની તપાસ કરવા નીચે ઉતરતા છ મજુરો બેઝમેન્ટમાં ભરેલા પાણીમાં પડેલા હતા.તેમાંથી પાંચને સોલા સીવીલ પહોંચાડાતા તેમને મૃત જાહેર કરાયા હતા.

મૃતક શ્રમિકોમાં કોણ-કોણ?

૧.અશ્વિન નાયક         ઉ.વર્ષ-૨૦

૨.સંજય નાયક         ઉ.વર્ષ-૨૦

૩.જગદીશ નાયક       ઉ.વર્ષ-૨૧

૪.મુકેશ નાયક          ઉ.વર્ષ-૨૫

૫.રજમલ ખરાડી       ઉ.વર્ષ-૨૫

૬.સંજય નાયક         ઉ.વર્ષ-૨૪

૭.શૈલેષ નાયક         ઉ.વર્ષ-૨૦

(ઈજાગ્રસ્ત)

૧.પંકજ ખરાડી ઉ.વર્ષ-૨૧

Gujarat