Get The App

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી, મહિલાનું મોત

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી, મહિલાનું મોત 1 - image


Vadodara News: વડોદરામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરના જૂની ઘડી પાસે ડીસીબી પોલીસ સ્ટેશનની દીવાલ ધરાશાયી થઈ છે. આજે (બીજી સપ્ટેમ્બર) વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ફાયરની ટીમ કાટમાળ દૂર કરી રહી છે.

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, વડોદરામાં રાજાશાહી વખતની ભદ્ર કચેરી ખાતે હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ ચાલી રહી છે. ભદ્ર કચેરી ફરતે 10થી 12 ફૂટ જેટલી તોતિંગ દીવાલ બનાવવામાં આવી છે. ભદ્ર કચેરી અત્યંત જર્જરિત અવસ્થામાં છે અને તેની મરામતની કોઈ તકેદારી રાખવામાં આવતી નથી. જ્યારે તેની દીવાલ પણ જર્જરીત થવા માંડી છે. મંગળવારે (બીજી સપ્ટેમ્બર) વહેલી સવારે લગભગ 50 ફૂટ જેટલી દીવાલનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ત્યાં બેઠેલી એક મહિલાનું દબાઈ જવાથી મોત નિપજ્યું છે. 


સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રેસક્યુ કામગીરી હાથ ધરી હતી. જોકે, ત્યાં સુધીમાં મહિલાનું મોત થઈ ચૂક્યું હતું. હાલ, મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને ફાયર વિભાગની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી, મહિલાનું મોત 2 - image

મહિલાના મૃત્યુથી પરિજનોમાં શોકનો માહોલ 

મૃતક મહિલાનું નામ 40 વર્ષીય ચંપાબેન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ મહિલાના પરિજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મહિલાના મૃત્યુથી પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. જોકે, હજુ સુધી દીવાલ ધરાશાયી થવાનું કારણ સામે આવ્યું નથી. ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરાયા બાદ આ અંગે તપાસ હાથ ધરવામાં આવશે. 

Tags :