સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા હડકંપ, મોતનું કારણ જાણવા પોલીસ દોડતી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતના લાલગેટમાં મંગળવારે(10 ફેબ્રુઆરી) એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક પરિવાર એક સપ્તાહ પહેલા જ સાઉદી અરેબિયાની યાત્રા કરીને પરત આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોત પાછળ શું કારણ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
મૃતકોના નામ
લાલગેટના હરિપુરા સૌય શેરીમાં 36 વર્ષના ફૈઝ અહેમદ, 32 વર્ષના મુબીના અહેમદ અને તેમના પુત્ર નોમાનનું મોત થયું છે. ફૈઝ અહેમદ કેમિકલના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. એકસાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર શેરીમાં માતમનો માહોલ છવાયો હતો. આસપાસના સ્થાનિકોને ઘટનાની જાણ થતાં ગમગીની છવાઈ ગઈ હતી.
આપઘાત કે આકસ્મિક મોત?
DCPએ સમગ્ર ઘટનાક્રમ અંગે જણાવ્યું હતું કે હતું કે, 'લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુરા વિસ્તારમાં એક અત્યંત દુખદ ઘટના બની છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ફૈઝ યુસુફ (ઉંમર: 40 વર્ષ)- પતિ, મુબીના (ઉંમર: 36 વર્ષ)- પત્ની, નોમાન (ઉંમર: 12 વર્ષ)- પુત્ર સામેલ છે. ત્રણેય મૃતદેહોના મોઢામાંથી ફીણ નીકળતા જોવા મળ્યા હતા. આ સાથે આપઘાતની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ફૂડ પોઈઝનિંગની શક્યતાને નકારી કાઢતા પોલીસે જણાવ્યું કે, 'શરીર પર જે પ્રકારના નિશાન હોવા જોઈએ તે મળ્યા નથી. પરંતુ અન્ય કોઈ કાવતરું કે 'માલાફાઈડ ઇન્ટેન્શન' છે કે કેમ તે બાબતે પણ તપાસ ચાલુ છે. ઘરના દરવાજા અંદરથી બંધ હતા, જે સૂચવે છે કે આ કોઈ બાહ્ય હુમલો નથી, પરંતુ ગેસ ગળતર જેવી દુર્ઘટના પણ હોય શકે. અમે લોહીના નમૂના અને અન્ય પુરાવાઓ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.'
ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા'
આપઘાત એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.








