Surat Althan News: સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતાનું હોસ્પિટલમાં મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અલથાણ વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહિલાએ પોતાના પુત્ર સાથે 14મા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાવાને કારણે થયેલા પ્રચંડ અવાજથી આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે માસૂમ પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બાળક અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મહિલાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.


