જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં ગઈકાલે ભારે કરૂણાજનક કિસ્સો બન્યો છે, અને ગામમાં ગમગીની ફેલાઈ છે. વાંકીયા ગામમાં રહેતા બુઝુર્ગ દંપતિ, કે જેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર અને અશક્ત અવસ્થામાં જીવન જીવી રહ્યા હતા, તેઓએ પોતાની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતાં બંનેના મૃત્યુ નીપજયા છે, અને ગમગીની ફેલાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે વાકિયા ગામમાં રહેતા દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી નામના 70 વર્ષના બુઝુર્ગ તેમજ મનુબેન દામજીભાઈ ભીમાણી નામના 68 વર્ષના પત્ની, કે જે બંને એ ગઈકાલે પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા, તેથી બંનેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બંને ના મૃત્યુ નીપજ્યા હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પૌત્ર મયંકભાઇ મગનભાઈ ભીમાણીએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસ બનાવના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને બુઝુર્ગ દપત્તિના મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર બંને ઘણા સમયથી શારીરિક અને માનસીક રીતે બીમાર રહેતા હતા, અને તેઓની દવા પણ ચાલુ હતી. જે દરમિયાન પોતાની બીમારીથી કંટાળી જઇ બંનેએ આત્મહત્યા કરી લેવાનો પ્લાન કર્યો હતો, તે પ્રમાણે જંતુનાશક દવાના ટીકડા ખાઈ લઇ પોતાના જીવનનો અંત લાવી દીધો છે. જે બનાવને લઈને સમગ્ર પરિવારમાં ગમગીની ફેલાઈ છે.
વૃદ્ધ દંપતિ પોતે માનસિક બીમાર, જ્યારે તેઓના પુત્ર અને પુત્રવધુ પણ મુકબધિર
ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં આપઘાત કરી લેનાર દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને મનુબેન દામજીભાઈ ભીમાણી, કે જેઓ પોતે તો શારીરિક અને માનસિક અસ્વસ્થતા અને બીમાર જીવન જીવતા હતા, અને તેઓએ આ પહેલા પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દામજીભાઈએ તો ચાલું રિક્ષામાંથી કૂદકો મારી દઇ જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો અને તેમના પત્નીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ બચી ગયા હતા, અને લાંબી સારવાર પણ ચાલી હતી. દરમિયાન ગઈકાલે ફરી બંનેએ આ અંતિમ પગલું ભર્યું છે. અગાઉ પોતાનું ઘર છોડીને પણ ચાલ્યા ગયા હતા.
જેઓની બીમારી ઉપરાંત બંનેના પુત્ર મગનભાઈ ભીમાણી અને તેની પુત્રવધુ, કે જેઓ બંને પણ મુકબધીર છે, અને કશું બોલી શકતા નથી. આથી પોલીસે પૌત્ર મયંક ભીમાણીનું નિવેદન નોંધ્યું હતું.








