વડોદરા શહેરના ભાયલીમાં આવેલા ટીપી 24-બીના 18 અને 24 મીટરના રસ્તા ખુલ્લા કરાતા ટ્રાફિકને હવે રાહત થશે
Vadodara : વડોદરા શહેરના દક્ષિણ છેવાડે આવેલા ભાઈલી વિસ્તારના ગોકુળપુરા અને રાયપુરા વચ્ચેના ટીપી 24બી હેઠળના 18 અને 24 મીટરના રસ્તા ખુલ્લા કરવાની કામગીરીમાં દબાણ શાખાની ટીમ એક્ટિવ થઈ હતી. જેમાં આવેલા ખેતરોના ઝાડી ઝાખરા, અને સેન્ટરીંગનો પડેલો માલ સામાન હટાવીને રસ્તા ખુલ્લા કર્યા હતા. આ કાચા રસ્તાને આગામી દિવસોમાં કાર્પેટીંગ કરીને પાકા બનાવતા વાહનચાલકોને ખૂબ મોટી રાહત થશે.
ઉલ્લેખનીય છે કે, શહેરના દક્ષિણ છેવાડે આવેલા ભાયલી વિસ્તારનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે. પરિણામે વાહન વ્યવહાર સહિત ટ્રાફિક પણ આ વિસ્તારમાં ખૂબ જ વધી ગયો છે. પરિણામે ટાઉન પ્લાનિંગ 24બી હેઠળના 18 અને 24 મીટરના રસ્તા ખુલ્લા કરવાનો નિર્ણય પાલિકા તંત્ર દ્વારા લેવાયો હતો. આ અંગે પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે અને ટાઉન પ્લાનિંગ વિભાગનો સ્ટાફ આજે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
જ્યાં આ બંને ખુલ્લા ખેતરોના ઝાડી ઝાખરા બુલડોઝરથી ખસેડી સહિત સેન્ટરીંગનો પડેલો માલ સામાન ખસેડ્યો હતો. જ્યારે કેટલોક માલ સામાન તંત્ર દ્વારા કબજે પણ લેવાયો હતો.