- તંત્રના વાંકે રાહદારીઓ જીવના જોખમે રોડ પર ચાલવા મજબૂર
- દુકાનદારો ભાડું ઉઘરાવી દબાણકારોને ફૂટપાથ પર ઊભા રહેવા દેતાં હોવાની રાવ : દબાણ સામે તંત્રના આંખ આડા કાન
હળવદ : હળવદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે સાથોસાથ ઠેરઠેર કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાય છે. શહેરમાં રાહદારીઓને ચાલવા માટે બનાવેલી ફૂટપાથ પર વેપારીઓ દ્વારા દબાણ કરતા રાહદારીઓ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જોકે, દબાણને લઇ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
એક બાજુ નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવી રહ્યાં છે ત્યારે ગામડાઓ અને શહેરવાસીઓ ખરીદી કરવા શહેરની બજારોમાં ધસારો જોવા મળે છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ ફૂટપાથ પર ચાલવાનું પસંદ કરે છે પરંતુ શહેરના સરા રોડ, પરશુરામ મંદિર પાસે સહિતના અનેક સ્થળે ફૂટપાથ પર ઠેરઠેર જગ્યાએ દબાણ જોવા મળે છે.
દુકાનદારો દ્વારા ફુટપાથ પર માલસામાન ગોઠવી ખુલ્લેઆમ વેપાર કરી રહ્યા છે. રાહદારીઓ ગ્રાહકોને દબાણના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. તંત્ર દ્વારા શહેરના ફૂટપાથ પર ગેરકાયદેસર કરેલા દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરી ફુટપાથ ખુલ્લી કરવામાં આવે જેથી રાહદારીઓ અને ગ્રાહકોને અડચણ ઉભી ન થાય.
આ ઉપરાંત શહેરના મુખ્ય રસ્તા ઉપર ગેરકાયદે દબાણ કરી ખડકાયેલી લારીઓ અને કેબીનો આડેધડ દબાણના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. અમુક જગ્યાએ ફુટપાથ ઉપર ઉભા રહેવાનું ભાડુ ઉઘરાવવાનો વેપલો પણ બેફામ ચાલી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ફૂટપાથ ખુલ્લી કરાવી લોકોને પડતી મુશ્કેલી દૂર કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી શહેરીજનોમાં માંગણી ઉઠવા પામી છે.


