નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી
- જવાબદાર તંત્રના સમસ્યા સામે આંખ આડા કાન
- કરાર બાદ એસટી વિભાગની બસો ઉભી રાખવાની જગ્યા નહીં હોવાથી ટ્રીપને નુકસાન મુસાફરોને હાલાકી
નડિયાદમાં સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે સંખ્યાબંધ સમસ્યાઓ ઊભી થઈ છે. નગરપાલિકા દ્વારા અગાઉ કોન્ટ્રાક્ટરથી મુકવામાં આવેલી નાની સિટી બસોને રેલવે સ્ટેશનની બહારથી ખસેડવામાં ન આવતા તે રસ્તા પર જ પડી રહી છે. બસોને કારણે હાલમાં નવી શરૂ થયેલી સીટી બસ તરીકેની એસ.ટી. બસોને રોડ પર પાર્ક કરવાની ફરજ પડી છે. રસ્તાઓ બ્લોક થઈ જતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. નડિયાદ મહાનગરપાલિકાના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ ગાયબ થઈ જતા આવી સમસ્યાઓ ઉભી થઈ રહી હોવાની ચર્ચાઓ છે. અગાઉ પણ સિટી બસ સેવાનું યોગ્ય મોનિટરિંગ નહીં કરાતા બંધ કરવાની નોબત આવી હતી. આ વખતે એસ.ટી. વિભાગ સાથે કરાર કર્યા બાદ પણ બસો ખોટમાં જ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સિટી બસની પૂછપરછ માટે પણ કોઈ વ્યવસ્થા ના હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી રહ્યા છે. આગામી સમયમાં એસ.ટી. વિભાગ મીની બસો ફરીથી શરૂ કરવાનો નિર્ણય લે તેવી શક્યતા છે. સિટી બસ સંબંધિત સેવામાં ફેરફાર અને સુધારા માટે વ્યવસ્થા કરવાનું પણ આયોજન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જૂની સિટી બસ અસામાજિક તત્વોનો અડ્ડો બની
રેલવે સ્ટેશનની બહાર પડી રહેલી જૂની સિટી બસો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. બસના દરવાજા ખુલ્લા હોવાથી તેની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનું જોવા મળી રહ્યું છે. શ્રાવણ દરમિયાન બસોમાં સટ્ટો રમાતો હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે અસામાજિક બદીઓને વેગ મળતો હોવા છતાં મનપા તંત્ર આ મુદ્દે ધ્યાન આપવા તૈયાર નથી.