સુરતમાં ચૌટા બજારની ટ્રાફિક સમસ્યા હળવી : વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસે ફોર વ્હીલ પસાર થતા જોઈ સ્થાનિકો ખુશ થઈ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : દબાણ માટે કુખ્યાત એવા ચૌટાબજારના દબાણ દુર કરવા માટેની પાલિકા અને પોલીસની સંયુક્ત કામગીરીના કારણે વર્ષો બાદ આજે ચૌટાબજારના દબાણ નહિવત થઈ ગયા છે. પાલિકા સાથે મળીને પોલીસના સતત ફુટ પેટ્રોલીંગ અને દુકાન બહાર દબાણ હોય તેના ફોટા પાડવાની કામગીરીના કારણે આજે બપોરે ચૌટા બજારમાંથી ફોર વ્હીલર પસાર થતા જોઈ સ્થાનિકો ખુશ થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ કમિશ્નર અને મેયરનો આભાર માન્યો છે અને કહ્યું છે, દેર આયે દુરસ્ત આયે પણ હવે આ પ્રકારની કામગીરી સતત કરી કાયમી દબાણ માટે મુક્તિ આપવામાં આવે તે જરૂર છે.
સુરતના ચૌટા બજારમાં માથાભારે તત્વોના ગેરકાયદે દબાણ મુદ્દે ફરિયાદ બાદ સુરતના મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોત ચૌટા બજારમાં પહોંચ્યા હતા. થોડા દિવસ પહેલાં તેઓએ ચૌટા બજારમાં જઈ વેપારીઓને દુકાન બહાર દબાણ ન કરવા માટે અપીલ કરી હતી અને તેની સાથે પંદર દિવસમાં દબાણ ન થાય તો દુકાન સીલ કરવા સાથે ગુનો દાખલ થશે તેવી ચીમકી આપી હતી. જોકે, થોડા દિવસ તો આ ચીમકીની કોઈ અસર થઈ ન હતી પરંતુ પોલીસ દ્વારા સતત ફુટ પેટ્રોલીંગ કરવા સાથે દુકાન બહાર દબાણ હોય તે દુકાનના ફોટા પાડવાનું શરુ કર્યું હતું. ગઈકાલ સુધી તો પોલીસ-પાલિકા સાથે દબાણ કરનારા સંતાકૂકડી રમતા જોવા મળ્યા હતા.
પરંતુ સુરતના સાંસદ મુકેશ દલાલે રાજ માર્ગ પર થતા રાત્રી દબાણ તથા ચૌટા બજારના દબાણ અંગે ગંભીર રજુઆત કરી હતી અને તેના માટે કોણ જવાબદાર તેવુ સંકલનમાં પૂછ્યું હતું. તેમની આ ફરિયાદ બાદ પાલિકા અને પોલીસ સાથે મળીને ગઈકાલે રાત્રે લાલગેટથી રાજ માર્ગ પર જે રાત્રી બજાર ભરાય છે તેના દબાણ દુર કરાવ્યા હતા. તેની અસર આજે ચૌટા બજારના દબાણ પર જોવા મળી હતી.
આજે બપોરે બે વાગ્યે તો ચૌટા બજારમાં નહિવત દબાણ હતા જેના કારણે વર્ષો બાદ ચૌટા બજારમાં દિવસ દરમિયાન ફોર વ્હીલર પસાર થતી નજરે પડી હતી. સ્થાનિકો દબાણ મુક્ત ચૌટાબજારને જોઈ ખુશ થઈ ગયા હતા. તેઓએ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને મેયર દક્ષેશ માવાણીનો આભાર માન્યો છે. તેઓએ કહ્યું છે કે દેર આયે પણ દુરસ્ત આયે પાલિકા અને પોલીસની સંયુક્ત અને કડક કામગીરીથી જ આ દબાણો દુર થઈ શક્યા છે અને આ કામગીરી માત્ર થોડા દિવસ માટે નહી પરંતુ કાયમી રાખવામાં આવે અને કાયમી ધોરણે આ વિસ્તારને દબાણ મુક્ત કરવામાં આવે તેવી પણ વિનંતી કરી છે.








