સરકારી બાબુઓ પાસે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવાશે
લોકોમાં ઉહાપોહ ના થાય તે માટે ટ્રાફિક પોલીસ પોતાની ડ્રાઈવને હેલ્મેટની ડ્રાઈવ ગણાવવાથી બચી રહી છે
રાજકોટ: શહેરમાં હેલ્મેટનું ભૂત ફરીથી ધૂણ્યું છે કે કેમ તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. તેની પાછળનું કારણ છે ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓ બહાર ડેરા-તંબુ તાણી શરૂ કરેલી ડ્રાઈવ. ટ્રાફિક પોલીસે ખાસ કરીને ફરીથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કર્યાની ચર્ચાઓ વહેતી થઈ હતી. ગમે તે બન્યું, પણ ટ્રાફિક પોલીસે આજે તેને રદિયો આપી કહ્યું કે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઈવ નહીં પરંતુ જુદા-જુદા ટ્રાફિકના નિયમોની અમલવારી માટેની ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં હેલ્મેટ પણ આવી જાય છે!
છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્રાફિક પોલીસ સરકારી કચેરીઓ બહાર ઝુંબેશ ચલાવી રહી છે. પોલીસ હેડકવાર્ટર, બી-ડિવિઝન પોલીસ સહિતનાં સ્થળોએ ઝુંબેશ બાદ આજે કલેકટર કચેરી બહાર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ કરી હતી. જેમાં સરકારી બાબુઓ અને અરજદારો દંડાયા હતા. તે સાથે જ આ ડ્રાઈવ હેલ્મેટ માટેની હોવાની વાતો પણ વહેતી થઈ હતી.
એકંદરે ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓની બહાર ટ્રાફિકના દરેક નિયમોનું પાલન થાય તે માટેની ડ્રાઈવ યોજ્યાનું જણાવ્યું છે. તેમાં હેલ્મેટ પણ સમાવિષ્ટ છે. જેનો એવો મતલબ નીક્ળયો છે કે ટ્રાફિક પોલીસ લોકોમાં ઉહાપોહ ના થાય તે માટે પોતાની ડ્રાઈવને ખાસ રીતે હેલ્મેટની ડ્રાઈવ ગણાવવાથી બચી તેને ટ્રાફિકના નિયમોની અમલવારીની ડ્રાઈવ ગણાવી રહી છે !
- 'સરકારના વર્ષ 2024ના પરિપત્ર મુજબની ડ્રાઈવ છે'
'સરકારી કચેરીઓ બહાર હેલ્મેટની નહીં પરંતુ જુદા-જુદા ટ્રાફિક નિયમોની અમલવારી માટેની ડ્રાઈવ શરૂ કરાઈ છે. ઓકટોબર-ર૦ર૪માં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ ટ્રાફિકના તમામ નિયમોનું અને ખાસ કરીને હેલ્મેટનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું. તેના ભાગરૂપે સરકારી કચેરીઓ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. શહેરને ટ્રાફિકની દ્રષ્ટિએ ચાર સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે, જેના ભાગરૂપે દરેક સેક્ટરના પીઆઈ પોતાનાં કાર્યક્ષેત્રમાં આવતી જુદી-જુદી સરકારી કચેરીઓમાં આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ યોજશે. આ દરમિયાન જો અરજદારો પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો તેમની સામે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.'
- હરપાલસિંહ જાડેજા (ડીસીપી- ટ્રાફિક બ્રાન્ચ)


