Gujarat

વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા

By GS TEAM
13 Nov 20252 mins read
TukuTouch Logo
હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અંતર્ગત શહેરમાં અનેક વીવીઆઈપીનું અવર જવર થઈ રહ્યું છે. આવેલા મહેમાન મુખ્ય માર્ગ પરથી રવાના થયા પછી કેટલીક જગ્યાએ ટ્રાફિક પોલીસના જવાનો જતા રહેતા ખૂબ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, જેથી વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વીઆઈપી પસાર થયા બાદ પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અદ્રશ્ય થતા ટ્રાફિકજામની સમસ્યા

Vadodara : હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અંતર્ગત શહેરમાં અનેક વીવીઆઈપીનું અવર જવર થઈ રહ્યું છે. આવેલા મહેમાન મુખ્ય માર્ગ પરથી રવાના થયા પછી કેટલીક જગ્યાએ ટ્રાફિક પોલીસના જવાનો જતા રહેતા ખૂબ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, જેથી વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સરકારે તારીખ 1થી 15 નવેમ્બર સુધી કેવડિયા ખાતે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ઘણા કેન્દ્રીય મંત્રી અને અનેક રાજ્યના મુખ્યમંત્રી સહિતના વીવીઆઈપી આવી રહ્યા છે. તેઓ વડોદરા એરપોર્ટથી કેવડિયા જતા હોય છે ત્યારે કેટલીક વખત શહેરમાં તેઓનું ટૂંકું રોકાણ પણ થતું હોય છે. તેઓની અવર જવરના કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેટ લગાવી રસ્તો બંધ કરી વીઆઈપીઓને જવા માટે સરળતા ઉભી કરવામાં આવતી હોય છે. પરંતુ જેમ મોંઘેરા મહેમાન રવાના થાય ત્યાં જ થોડી ક્ષણોમાં ટ્રાફિક પોલીસના જવાનો જે તે રૂટ પરથી અદ્રશ્ય થઈ જતા હોય છે. આ દરમિયાન અહીં ઘણી વખત ટ્રાફિક સિગ્નલો પણ બંધ કરી દેવામાં આવતા હોય છે ત્યારે ઘણો ટ્રાફિક જામ થઈ જતો હોય છે. વિશેષ મહેમાનો પસાર થઈ ગયા પછી ટ્રાફિક પોલીસના જવાનો ચોક્કસ સમય માટે ટ્રાફિકનું યોગ્ય મોનિટરિંગ કરતા રહે તો નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી હલ મળી શકે તેમ છે અને તેઓનો સમય અને ઈંધણની બચત થાય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ તંત્રએ સમજી લેવું જોઈએ કે માત્ર વીઆઈપીના રૂટનું મોનિટરિંગ કરવા જેટલી તેમની જવાબદારી નથી, નાગરિકોને પણ સુવિધા મળી રહે એ બાબતને બેધ્યાને ન કરી શકાય.

ટ્રાફિક ભંગની બાબત કેમેરામાં કંડારાય તો જવાનો બેસી રહી મોબાઈલમાં વ્યસ્ત રહે તેની સામે સીસીટીવીના આધારે કાર્યવાહી કેમ નહીં?

ઘણી વખત ટ્રાફિકમાં અવ્યવસ્થા ઊભી કરનાર વાહન ચાલક સામે સીસીટીવી કેમેરાના પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને દંડની વસુલાત માટે તેઓને મેમો પાઠવવામાં આવતા હોય છે. તો ઘણીવાર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો માર્ગ પર તૈનાત રહી ડ્યુટી કરવાના બદલે કલાકો સુધી એકબાજુ બેસી રહીને મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે. જો કોઈ નાગરિક કાયદાનો ભંગ કરે તો સીસીટીવી કેમેરાના આધારે કાર્યવાહી થતી હોય છે. તો ફરજમાં નિષ્કારજી દાખવનાર ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સામે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરવા સાથે જરૂરી સૂચનાઓ કેમ આપતા નથી? એવા સવાલો ઉઠી રહ્યા છે.