લાલબાગ બ્રિજ પર ડમ્પર રોંગ સાઇડ આવતા ટ્રાફિક જામ
સીસીટીવી કેમેરામાં માત્ર નાગરિકોના જ વાહનો કેદ થાય છે : એસ.ટી.બસ અને લક્ઝરી બસો કેદ થતી નથી
ડમ્પર બ્રિજ પર આવી જવા છતાંય કોઇ પોલીસ જવાને રોક્યું નહીં
વડોદરા,લાલબાગ બ્રિજ પર સાંજે પિક અવર્સ દરમિયાન એક ડમ્પર ચાલક રોંગ સાઇડ આવતા વાહન ચાલકો અટવાઇ પડયા હતા. ડમ્પર ચાલકનો વાંક હોવાછતાંય તે અન્ય નાગરિકો સાથે દાદાગીરી કરતો હતો. જોકે, ડમ્પર ચાલકને અટકાવવા કે દંડ કરવા માટે કોઇ પોલીસ જવાનો હાજર નહતા.
ટ્રાફિક પોલીસ દ્વારા સૌથી વધારે દંડ ટુ વ્હીલર ચાલકોને કરવામાં આવે છે. જ્યારે ભારદારી વાહનો પ્રત્યે પોલીસ દ્વારા રહેમ નજર રાખવામાં આવતી હોય છે. શહેરમાં ઇન્ટર સ્ટેટ દોડતી લક્ઝરી બસો રાતે નવ વાગ્યા પહેલા જ સિટિ વિસ્તારમાં આવી જતી હોય છે. પરંતુ, સીસીટીવી કેમેરામાં આ બસો દેખાતી નથી. મોટાભાગના એસ.ટી.બસના ડ્રાઇવર બસ ચલાવતા સમયે સીટ બેલ્ટ પહેરતા નથી. તેઓ પણ સીસીટીવીમાં કેદ થતા નથી. માત્ર નાગરિકો જ કેદ થાય છે. રોંગ સાઇડ ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને પોલીસ દંડ કરે છે. એટલું જ નહીં હવે તો પોલીસ આવા વાહન ચાલકો સામે ગુનો પણ દાખલ કરે છે.
આજે સાંજે ઓફિસથી છૂટીને ઘરે જવાના સમયે જ ટ્રાફિકની અવર - જવરથી વ્યસ્ત એવા લાલબાગ બ્રિજ પર એક ડમ્પર ચાલક પ્રતાપ નગર તરફથી રોંગ સાઇડ આવી ગયો હતો. બ્રિજ પર આવ્યા પછી તેને ખ્યાલ આવ્યો હશે કે, પોતે રોંગ સાઇડ આવી ગયો છે. તેમછતાંય તેણે ડમ્પર આગળ જવા દીધુું હતું. ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોએ ડમ્પર ચાલકને અટકાવતા તેણે દાદાગીરી કરીને તમારે જે કરવું હોય તે કરી લો. તેવું કહીને ઉદ્ધતાઇભર્યુ વર્તન કર્યુ હતું.