Get The App

લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી દરવાજા પાસે ટ્રાફિકજામ : વાહન ચાલકોમાં રોષ

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી દરવાજા પાસે ટ્રાફિકજામ : વાહન ચાલકોમાં રોષ 1 - image

- રોડની બંને સાઇડ આડેધડ પાકગથી સાંકડા બન્યા

- શિયાણી દરવાજા સહિતના વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ ફાળવી સમસમયાનો કાયમી ઉકેલ લાવવા માંગ

લખતર : સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી છે. ખાસ કરીને લખતર સ્ટેટ હાઈવે પર આવેલા શિયાણી દરવાજા પાસે અવારનવાર સર્જાતા ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રવિવારે ફરી એકવાર આ વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, શિયાણી દરવાજા પાસે સામ-સામે મોટા વાહનો આવી જવાને કારણે અથવા રસ્તાની આસપાસ થતા આડેધડ પાકગના લીધે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. આ જામની અસર એટલી વ્યાપક હતી કે બસ સ્ટેન્ડ ત્રણ રસ્તાથી લઈને સહયોગ વિદ્યાલય સુધીનો માર્ગ વાહનોથી ઉભરાઈ ગયો હતો. મુસાફરો અને નોકરીયાત વર્ગ કલાકો સુધી અટવાઈ પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. વાહન ચાલકોની માંગ છે કે શિયાણી દરવાજા જેવા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા કાયમી ટ્રાફિક પોઈન્ટ ફાળવવામાં આવે અથવા હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવે, જેથી ટ્રાફિકનું યોગ્ય નિયમન થઈ શકે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળે.