Get The App

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી 1 - image


ઓવરબ્રિજની માગણી પડતર છે ત્યારે

શહેરના સે-૫થી વાવોલ જવા માટે તહેવારમાં ટ્રાફિકને કારણે સાંકડું ફાટક બંધ ન થતા ટ્રેનને પણ રોકાવું પડયું ઃ લોકોમાં વધી રહેલો રોષ

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૫થી વાવોલ જવા માટે સાંકડા રેલવે ફાટકને કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે આજે તહેવારના સમયમાં અહીં ભારે ટ્રાફિકને કારણે લોકો હેરાન થયા હતા અને તેના કારણે વડનગરથી વલસાડ જતી ટ્રેનને પણ ઉભા રહી જવું પડયું હતું. ટ્રાફિક હળવો થયા બાદ ટ્રેન રવાના થઈ હતી. આ વિસ્તારમાં રોજિંદી ટ્રાફિકની સમસ્યને કારણે હવે નાગરિકો એટલા કંટાળી ગયા છે કે આગામી દિવસમાં રેલ રોકો આંદોલન કરે તો નવાઈ નહીં.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસાહતો વધી રહી છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા ભયંકર રૃપ ધારણ કરી રહી છે. આ સ્થિતિમાં ન્યુ વાવોલમાં હાલ સંખ્યાબંધ વસાહતો થવાને કારણે સેક્ટર ૫થી વાવોલ તરફના માર્ગ ઉપર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે એટલું જ નહીં રોડ નંબર ત્રણ થી વાવલ જવા માટે અંડર પાસની કામગીરી ચાલી રહી છે જેના પગલે હાલ વાવોલ તરફ જવા માટે આજ મુખ્ય માર્ગ બની ગયો છે પરંતુ અહીં રેલવેના નાના ફાટકને કારણે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ ગંભીર બની રહે છે. સવાર અને સાંજના સમયે વાહનોની લાંબી કતારો રહેતી હોય છે. આ સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે અને અહીં ઓવરબ્રિજ ઉભો કરવા માંગણી કરવામાં આવી છે પરંતુ હજી સુધી તે દિશામાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વાવોલ તરફ જતા અને આવતા ભારે ટ્રાફિક હોવાને કારણે ફાટક બંધ થઈ શકે તેવી સ્થિતિ જ ન હતી. આ સાંકડા ફાટકને કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને તે વચ્ચે વડનગરથી વલસાડ જતી ટ્રેનને પણ પસાર થવાનું હતું. જેના કારણે વાહન ચાલકો સતત ટ્રેક ઉપરથી પસાર થતા ટ્રેનને ઉભા રહી જવાની ફરજ પડી હતી. ત્યારબાદ આ ઘટના અંગે રેલવે વિભાગ દ્વારા સ્થાનિક પોલીસની મદદ માગવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક હળવો કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રોજિંદી ટ્રાફિકની સમસ્યને કારણે હવે નાગરિકો એટલા કંટાળી ગયા છે કે આગામી દિવસમાં રેલ રોકો આંદોલન કરે તો નવાઈ નહીં.

Tags :